ભારતીય રિઝર્વ બેન્કે બેન્ક લોકર્સ માટેની માર્ગદર્શિકામાં બુધવારે સુધારા જાહેર કર્યા હતા. નવા નિયમો મુજબ આગ, ચોરી, બેન્ક કર્મચારી દ્વારા ગેરરીતિ, ઈમારત તૂટી પડવી વગેરે જેવા કિસ્સામાં સંબંધિત બેન્કની જવાબદારી વાર્ષિક ભાડાંના 100 ગણી રકમ જેટલી મર્યાદિત રહેશે. આમ આવા કિસ્સામાં સેફ ડિપોઝિટ લોકર ધરાવતા લોકોને વાર્ષિક ફીના 100 ગણા જેટલું વળતર મળશે. અત્યાર સુધી લોકર્સના સંદર્ભમાં બેન્કોની કોઇ જવાબદારી ન હતી. આ નવી માર્ગદર્શિકા 1 જાન્યુઆરી 2022થી અમલી બનશે.
સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરીમાં જણાવ્યું હતું કે બેન્કો જવાબદારીમાંથી છટકી શકે નહીં. સુપ્રીમ કોર્ટે લોકર મેનેજમેન્ટ અંગે છ મહિનામાં નવી ગાઇડલાઇન ઘડવા રિઝર્વ બેન્કને તાકીદ કરી હતી.
રિઝર્વ બેન્કે નવી માર્ગરેખામાં જણાવ્યું હતું કે સેફ ડિપોઝિટ વોલ્ટ હોય તે મકાનની સુરક્ષા અને સલામતીના તમામ પગલાં લેવાની જવાબદારી બેન્કોની રહેશે.
લોકર ભાડે રાખનાર વ્યક્તિ લોકર ઓપરેટ ન કરે અને ભાડુ પણ ન ચુકવે તેવી સ્થિતિનો સામનો કરવા માટે બેન્કો લોકર એલોટમેન્ટ વખતે ટર્મ ડિપોઝિટ મેળવી શકશે. આ ટર્મ ડિપોઝિટ ત્રણ વર્ષના ભાડાને કવર કરે તેટલી હોવી જોઇએ. જોકે બેન્કો હાલના લોકર હોલ્ડર્સ અથવા સંતોષજનક એકાઉન્ટ ધરાવતા લોકો પાસેથી ટર્મ ડિપોઝિટનો આગ્રહ કરી શકશે નહીં.
રિઝર્વ બેન્ક દ્વારા જારી કરાયેલા નવા નિયમો અનુસાર, 1 જાન્યુઆરી, 2022 પછી કેવાયસી દ્વારા, લોકર સુવિધા એવા લોકોને પણ આપી શકાય છે જેમનું બેંકમાં ખાતું નથી. જો કે, સંબંધિત વ્યક્તિને લોકર સુવિધા આપવી કે નહીં તે બેન્કો પર નિર્ભર રહેશે.
લોકરમાં કોઇ કામકાજની તારીખ અને સમયની જાણ કરવા માટે બેન્કોએ ગ્રાહકના રજિસ્ટ્રર્ડ ઇ-મેઇલ આઇડી અને મોબાઇલ નંબર પર ઇ-મેઇલ અને એસએમએસ એલર્ટ જારી કરવો પડશે. જો લોકર સાત વર્ષ સુધી ઓપરેટ ન થાય ન થાય અને ગ્રાહકનો પતો મળતો ન હોય અને ભાડુ નિયમિત મળતું હોય તો બેન્કો લોકરની વસ્તુઓ ગ્રાહકના નોમિની કે કાનૂની વારસને ટ્રાન્સફર કરી શકશે અથવા પારદર્શક રીતે તેનો નિકાલ કરી શકશે.
નવી નિયમો મુજબ બેંક અને ગ્રાહક વચ્ચેનો કરાર સ્ટેમ્પ પર રહેશે. લોકર ફાળવણીની માહિતી કોર બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવામાં આવશે. જ્યારે લોકર એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આવે ત્યારે ગ્રાહકે અગાઉથી જાણ કરવી પડશે. નાના લોકર્સ માટે વાર્ષિક 2,000 રૂપિયા ફી રહેશે, જ્યારે મેટ્રો શહેરોમાં લોકર ચાર્જ રૂ. 4,000 રહેશે. જીએસટી સહિતના મોટા લોકર માટે વાર્ષિક ફી રૂ. 8,000 નક્કી કરાઈ છે.