છ ભૂતપૂર્વ સબ-પોસ્ટ માસ્ટર આઈટી કૌભાંડમાં તેમને મળેલી સજા સામે અપીલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે પોસ્ટ ઓફિસે તે અપીલનો કોર્ટમાં વિરોધ કરવાનું નક્કી કર્યું છે. આઈટી કૌભાંડમાં અત્યાર સુધીમાં પુરાવાના આધારે 700થી વધુ પોસ્ટ માસ્ટર્સ સામે કાર્યવાહી કરાઇ હતી.
આ અપીલ કોર્ટ સમક્ષ કરાયેલા 12 કેસોની નવીનતમ બેચનો ભાગ હશે. ખામીયુક્ત પોસ્ટ ઓફિસ કમ્પ્યુટર સિસ્ટમ, હોરાઇઝનના કારણે ઉદ્ભવેલી સમસ્યાઓને કારણે પોસ્ટ માસ્ટર્સને ખૂબ જ સહન કરવું પડ્યું હતું.
પૈસાની ચોરી કરવાનો ખોટો આરોપ ધરાવનારા 59 ભૂતપૂર્વ સબ-પોસ્ટમાસ્ટર્સ પરના આરોપો રદ કરાયા છે. જ્યારે સોફ્ટવેર સિસ્ટમ ઉપયોગમાં લેવાતું હતું, ત્યારે પોસ્ટ ઓફિસ શાખાઓમાં કામ કરનારા સેંકડો લોકોને ચોરી અને ખોટા હિસાબ સહિત વિવિધ ગુનાઓ કરવાના આરોપસર દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
કેટલાક ભૂતપૂર્વ પોસ્ટમાસ્ટર જેલમાં ગયા હતા, કેટલાકને નવી નોકરીઓ મેળવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો, કેટલાકે પોતાનું ઘર ગુમાવ્યું હતું અને તેમના પરના આરોપોને કારણે વીમો મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા. તો કેટલાક મરી ગયા હતા. પોસ્ટ ઓફિસે કાનૂની પ્રક્રિયા માટેની 24 અપીલોનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે.