ઇંગ્લેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં રહેતા જે લોકોએ બે કોવિડ રસીના ડોઝ લીધા છે તેઓ જો કોવિડ પોઝીટીવ ટેસ્ટ ધરાવનાર વ્યક્તિના સંપર્કમાં આવશે તો તેમને હવે 10 દિવસ માટે સેલ્ફ આઇસોલેશનની કરવાની જરૂર રહેશે નહિ. પરંતુ તે લોકોને પીસીઆર ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવશે પણ તેમને ટેસ્ટની રાહ જોતી વખતે તેમને આઇસોલેશન કરવું પડશે નહીં.
જો કે ટેસ્ટ પણ ફરજિયાત નથી. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે તેવા લોકો માટે બંધ સ્થળોએ ફેસ માસ્ક પહેરવો અને અન્ય લોકો સાથે સંપર્ક મર્યાદિત કરવો જરૂરી છે.સ્કોટલેન્ડ અને વેલ્સમાં પહેલેથી જ અમલમાં મૂકવામાં આવેલા સેલ્ફ આઇસોલેશનના નિયમોમાં ફેરફાર સાથે આ ગાઇડલાઇન્સ 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને પણ લાગુ પડે છે.
ઇંગ્લેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં આ નિયમોમાં ફેરફાર થવાથી ઘરમાં રહેવાની ફરજ પાડનારા લોકોની સંખ્યામાં ઘટાડો થશે.
હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે જણાવ્યું હતું કે ‘’સોમવારે જાહેર કરાયેલ સેલ્ફ આઇસોલેશન ગાઇડલાઇન્સમાં કરાયેલા ફેરફારો સાવચેતીભર્યા “સામાન્યતા તરફ જવાના પગલા”નો ભાગ છે, જે રસી રોલઆઉટને કારણે શક્ય બન્યું હતું. લોકોને આપવામાં આવેલી રસીઓ જ આ રોગચાળાનો અંત લાવશે. રસીઓને કારણે 84,000થી વધુ લોકોનો જીવ બચાવી શકાયો છે અને 23 મિલિયન લોકોને ચેપ લાગતો અટકાવવામાં આવ્યો છે.”
ઇંગ્લેન્ડમાં, આ નવા નિયમો એવા લોકોને લાગુ પડે છે જેમણે કોવિડ રસીનો બીજો ડોઝ પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવવાના ઓછામાં ઓછા 14 દિવસ પહેલા લીધો હતો.જુલાઇમાં, ઇંગ્લેન્ડ અને વેલ્સમાં એક અઠવાડિયામાં આઇસોલેશન માટે મોકલવામાં આવેલી ચેતવણીઓની સંખ્યા માત્ર 700,000 થી ઓછી હતી. કાર ઉત્પાદકો અને ફૂડ ડિસ્ટ્રીબ્યુટરો સહિતના બિઝનેસીસે ફરિયાદ કરી હતી કે તેમના કર્મચારીઓ ચેતવણી મળ્યા બાદ આઇસોલેટ થયા હોવાના કારણે તેમના ધંધાને અસર થઈ રહી છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં એનએચએસ કોવિડ-19 એપ્લિકેશનની સંવેદનશીલતા પણ ઓછી કરવામાં આવી હતી જેથી ઓછા લોકો આઇસોલેટ થાય.