પાકિસ્તાનના લાહોરમાં મંગળવારે મહારાજા રણજિત સિંહની પ્રતિમાની તોડફોડ કરવામાં આવી હતી. આ હુમલો પાકિસ્તાનમાં પ્રતિબંધિત સંગઠન તહરીક એ લબ્બૈક નામના સંગઠને કર્યો હતો. પોલીસે આ ઘટનામાં એક વ્યક્તિની ધરપકડ કરી હતી.
ઉચ્ચ સુરક્ષા ધરાવતા લોહાર ફોર્ટ સંકુલમાં આ પ્રતિમા પર આ ત્રીજો હુમલો છે. સોશિયલ મીડિયા જારી થયેલા વિડિયો મુજબ હુમલાખોરોએ હાથથી પ્રતિમાના પગ અને બીજો હિસ્સો તોડી નાંખ્યો હતો. જોકે હુમલાખોરો વધારે નુકસાન પહોંચાડે તે પહેલા બીજા લોકોએ આવીને તેમને રોકી લીધા હતા. હુમલાખોરોએ રણજીતસિંહ વિરુદ્ધ નારા પણ લગાવ્યા હતા. આ પ્રતિમા કાંસામાંથી બનાવાયેલી છે અને તેનુ કદ નવ ફૂટનુ છે.
મહારાજા રણજીતસિંહ શીખ પોશાકમાં ઘોડા પર બેઠા હોય તેવી આ પ્રતિમા પર ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ પહેલા પણ ભીડે આ પ્રતિમાને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. શીખ સામ્રાજયના પ્રથમ મહારાજા રણજિત સિંહની પ્રતિમા જૂન 2019માં મૂકવામાં આવી હતી.