ભારતના 75માં સ્વતંત્રતા દિવસના અવસર અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડેન સહિતના દુનિયાભરના નેતાઓએ શુભકામનાઓ પાઠવી હતી. ભારતના સ્વતંત્રતા દિનની પૂર્વસંધ્યાએ શનિવારે બાઇડનને એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ભારતે મહાત્મા ગાંધીના સત્ય અને અહિંસાના સંદેશ સાથે સ્વતંત્રતા હાંસલ કરી છે. લોકોની ઇચ્છાશક્તિનું સન્માન કરવાની પાયાની પ્રતિબદ્ધતા વિશ્વને પ્રેરણા આપી રહી છે અને તે બંને દેશો વચ્ચેના ખાસ સંબંધોનો એક પાયો છે. ઘણા વર્ષોથી આશરે ચાર મિલિયન ઇન્ડિયન અમેરિકન્સના વાઇબ્રન્ટ સમુદાય સહિતના આપણા લોકો વચ્ચેના સંબંધોઓ આપણી ભાગીદારીને મજબૂત બનાવી છે.
બાઇડેન આ પ્રસંગે કહ્યું હતું કે “હું આજે ભારતમાં, અમેરિકામાં અને દુનિયાભરમાં ભારતની આઝાદીની ઉજવણી કરનારા તમામ લોકો માટે એક સુરક્ષિત અને ખુશહાલ ભારતીય સ્વતંત્રતા દિવસની કામના કરું છું. મોટા પડકારો અને અવસરોના આ સમયમાં ભારત અને અમેરિકાની વચ્ચેની ભાગીદારી પહેલાથી ઘણી વધારે મહત્વપૂર્ણ છે. આપણે સાથે મળીને દુનિયાને એ દર્શાવવું જોઇએ કે બે મહાન અને વિવિધ લોકશાહી દરેક જગ્યાએ લોકો માટે કામ કરી શકે છે. પહેલાની માફક આપણા દેશો વચ્ચે મિત્રતા ખીલતી રહેશે.”
અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાનને ક્વાડ નામનું સંગઠન બનાવ્યું છે. ઇન્ડો પેસિફિક પ્રદેશમાં ચીનની તાકાતમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આ ચાર દેશોના નેતાઓએ આ વર્ષના માર્ચમાં મુક્ત અને ખુલ્લા ઇન્ડો પેસિફિક માટેના વિઝનને વિસ્તૃત બનાવ્યું હતું.
બાઇડને જણાવ્યું હતું કે સાથે મળીને આપણે દુનિયાને દર્શાવવું જોઇએ કે આ બે મહાન અને વૈવિધ્યપૂર્ણ લોકશાહી દેશો વિશ્વના બીજા લોકોની પણ સેવા કરી શકે છે. આપણા બંને દેશો વચ્ચેની મિત્રતા વધુને વધુ મજબૂત બનશે.
બાઇડેને કોવિડ-19ની વિરુદ્ધ ચાલી રહેલી લડાઈનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “કોવિડ-19થી લડાઈ લડવામાં છેલ્લા એક વર્ષમાં આપણા દેશ એક નવા અંદાજમાં એક સાથે આવ્યા છે. આપણે ભવિષ્યમાં પણ એક સાથે મળીને આની સામે છેક સુધી લડીશું.” આ પ્રસંગે અમેરિકન વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકને કહ્યું હતું કે, “અમેરિકાની સરકાર અને લોકો તરફથી હું 75માં સ્વતંત્રતા દિવસ પર ભારતના લોકોને હાર્દિક શુભકામનાઓ આપું છું.”
ભારતની આઝાદીના પર્વ પર ભૂતાન જેવા પાડોશી દેશોએ પણ પોતાની શુભકામનાઓ મોકલી હતી. ભુતાનના વડા લોટે શેરિંગે કહ્યું હતું કે, “હું આ અવસર પર ભારતની સરકાર અને લોકોને ખાસ કરીને ભારતીય દૂતાવાસની ટીમને આ મુશ્કેલ સમય દરમિયાન પોતાનું સમર્થન આપવા માટે તેમની પ્રશંસા કરું છું. હું આ અવસર પર તેમને પોતાની હાર્દિક શુભકામનાઓ આપું છું. સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ.”