ટાટા ગ્રૂપની કંપની નેલ્કો ભારતમાં સેટેલાઇટ બ્રોડબેન્ડ સર્વિસ લોન્ચ કરવા કેનેડાની કંપની ટેલીસેટ સાથે મંત્રણા કરી રહી છે. ટેલિસેટની લાઇટસ્પીડ બ્રાન્ડ ભારતમાં ભારતી એરટેલની વનવેબ, એમેઝોનની પ્રોજેક્ટ કુપર અને ઇલોન મસ્કના સ્પેક્સએક્સ સર્વિસ સાથે સીધી સ્પર્ધા કરશે.
નેલ્કો અને ભારતમાં ટેલિસેટ લાઇટસ્પીડ LEO (લો અર્થ ઓર્બિટ) સેટેલાઇટ સર્વિસ લોન્ચ કરવા માસ્ટર સર્વિસિસ એગ્રીમેન્ટ કરશે. નેલ્કોના મેનેજિંગ ડિરેક્ટર પી જે નાથે જણાવ્યું હતું કે અમે કોમર્શિયલ સમજૂતી કરવાની વિગતો નક્કી કરી રહ્યાં છીએ. ટેલિસેટ સાથે કોઇ અલગ સંયુક્ત સાહસ કંપની બનાવવામાં આવશે નહીં.
ટેલિસેટની જેમ વનવેબ, એમેઝોન અને સ્પેસએક્સ ભારતના સેટેલાઇટ સર્વિસ સેક્ટરમાં પ્રવેશ કરવાની યોજના બનાવી રહી છે. ભારતને મહત્ત્વનું સેટેલાઇટ માર્કેટ માનવામાં આવે છે કારણ કે હજુ 75 ટકા ગ્રામીણ વિસ્તારમાં બ્રોડબેન્ડ, સેલ્યુલર અને ફાઇબર કનેક્ટિવિટી નથી. કેનેડાની કંપની 2024 સુધીમાં ભારતમાં લાઇટસ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ લોન્ચ કરવા માગે છે. વનવેબ અને સ્પેસએક્સ આગામી વર્ષે ઇન્ટરનેટ સર્વિસ ચાલુ કરવાની યોજના ધરાવે છે.
ટાટા ગ્રુપે અગાઉ 100 બિલિયન ડોલરના રોકાણની સાથે 5G ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ બિઝનેસની જાહેરાત કરેલી છે. તેનાથી ભારતને 5જીની દેશી ટેકનિકની સાથે ઘરેલુ 5જી ઉપકરણ મળી શકશે. તેના માટે કંપની ટાટા ડિજિટલ બિઝનેસ નામથી એક અલગ વેન્ચર બનાવશે. કંપનીના ચેરમેને કહ્યું કે, ભારત સહિત અનેક દેશ સેમીકંડક્ટર સહિત અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણ માટે પૂરી રીતે ચીન પર નિર્ભર છે. તેવામાં ટાટાની એન્ટ્રીથી બિઝનેસ ભારત તરફ શિફ્ટ થશે.