– લૌરેન કોડલીંગ દ્વારા
યુકે સરકારે ભારતને રેડ લીસ્ટમાંથી ખસેડીને એમ્બર લીસ્ટમાં મુકતાં જ ભારતથી યુકે આવતા મુસાફરોની સંખ્યામાં તોતીંગ વધારો નોંધાયો છે અને સંખ્યાબંઘ ભારતીયો યુકે આવી પણ ચૂક્યા છે. ટ્રાવેલ એજન્ટ્સે પણ યુકે સરકારના આ નિર્ણયને આવકારી આગાહી કરી છે કે આગામી મહિનાઓમાં ભારત-યુકે વચ્ચેના એર ટિકિટ બુકિંગમાં તીવ્ર વધારો થઈ શકે છે.
લંડનની સાઉથૉલ ટ્રાવેલના ચીફ કોમર્શિયલ ઓફિસર જયમીન બોરખત્રિયાએ ‘ગરવી ગુજરાત’ને જણાવ્યું હતું કે ‘’સરકારની જાહેરાતથી હું ખૂબ જ ખુશ છું અને આશા રાખું છું કે આ ક્રમ ચાલુ રહેશે. માત્ર ગુરૂવારે તા. 5ના રોજ સાઉથૉલ ટ્રાવેલે ભારત જવા માટે 2,000થી વધુ ટિકિટોનું બુકીંગ કર્યું હતું. બિઝનેસમાં એક દિવસમાં £ 1.5 મિલિયનનું ટર્નઓવર થવાનો અંદાજ છે. ભારત અને યુએઈ બંને માટે બુકિંગનો વધારો આગામી મહિનાઓ સુધી ટકી શકે છે. ભારતના મોટા શહેરોમાં હવે હાલત સારી છે અને કોઈ સમસ્યા નથી. યુકેમાં વસતા બહુમતી લોકોએ ડબલ રસી લીધી હોવાથી તેઓ ખરેખર ચિંતિત નથી. મને આશા છે કે ભારત લાંબા ગાળા માટે રેડ લીસ્ટની બહાર રહેશે. ભારત અને યુકે બંને દેશો કોવિડ-19ના મોજાઓમાંથી પસાર થઇ ચૂક્યા છે અને હવે બન્ને દેશોના લોકો પાસે રસીની પ્રતિરક્ષા છે.”
બ્રાઇટ્સન ટ્રાવેલના મેનેજિંગ ડિરેક્ટર દીપક નાંગલાએ ‘ગરવી ગુજરાત’ને જણાવ્યું હતું કે ‘’યુકે સરકારની જાહેરાત બાદ બિઝનેસમાં 40 ટકાનો વધારો થયો છે. સૌથી મોટો વધારો ભારતમાં ફસાયેલા મુસાફરોનો છે જેઓ ક્વોરેન્ટાઇન કર્યા વગર યુકે પરત આવવાની રાહ જોઈ રહ્યા છે. એરલાઇન્સ પણ તેમની ક્ષમતા અને સમયપત્રકમાં વધારો કરવાનું શરૂ કરતા મારા મત મુજબ બે અઠવાડિયા પછી હાલત વધુ સ્થિર થશે. ભારત સરકાર માત્ર મુઠ્ઠીભર એરલાઇન્સ જેમ કે બ્રિટિશ એરવેઝ, એર ઇન્ડિયા, વર્જિન એટલાન્ટિક અને વિસ્તારાને જ મંજૂરી આપતી હોવાથી બુકીંગની ક્ષમતાને અસર થઈ રહી છે.’’
નાંગલાએ ઉમેર્યું હતું કે “ગ્રાહકો હજુ પણ પીસીઆર ટેસ્ટ્સ અને ભારતભરના જુદા જુદા રાજ્યોના વિવિધ પ્રતિબંધો વિશે મૂંઝવણમાં છે. જો કે, અમે બદલાતા બધા નિયમોથી વાકેફ છીએ અને ટ્રાવેલ એજન્સીઓ આ અંગે સલાહ આપી શકે છે. મારા મતે હવે ડબલ રસી મેળવનારા લોકોના બિઝનેસ ટ્રાવેલમાં વધારો થશે, તે પછી પરિવાર અને સંબંધીઓની મુલાકાત લેવા માંગતા પ્રવાસીઓ અમારી પાસે બુકિંગ કરાવવા આવશે. જો કે, હોલીડે પર જવા માંગતા લોકો સામાન્ય સ્તરે પાછા આવે તેવી શક્યતા ઓછી છે.’’
સોના ટૂર્સના ફાઇનાન્સ ડાયરેક્ટર ચેતન શાહે ‘ગરવી ગુજરાત’ને જણાવ્યું હતું કે ‘’અમે ભારતના બુકિંગમાં મોટો વધારો જોયો નથી. લોકો હજૂ પણ કોવિડ કેસોથી સાવચેત રહેવા માંગે છે. મોટેભાગે લોકો રજા પર જવાને બદલે ભારતમાં કુટુંબીજનોને મળવા જવા માંગે છે. જો કે મને શંકા છે કે સમગ્ર વર્ષ દરમિયાન ભારત પ્રવાસનું બુકિંગ વધશે. સ્થિતી હજી પણ પહેલા જેવી સામાન્ય અને સરળ લાગતી નથી. હજી ઘણી બધી ઔપચારિકતાઓ છે જેમાંથી તમારે પસાર થવાની જરૂર છે.”
ભારત – યુકે વચ્ચેની તમામ નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને હાલ સસ્પેન્ડ કરાઇ છે. જો કે, યુકે અને ભારતીય સરકારો વચ્ચેના દ્વિપક્ષીય કરાર હેઠળ, ભારત અને યુકે વચ્ચે મર્યાદિત સંખ્યામાં ફ્લાઇટ્સ ચાલુ છે.