ગુજરાતમાં સિંહોની સંખ્યા વધીને 674 થઇ છે. વર્ષ 2015માં સિંહોની સંખ્યા 529 હતી. આમ પાંચ વર્ષમાં રાજ્યમાં સિંહોની સંખ્યામાં 29 ટકાની વૃદ્ધિ થઇ છે. આગામી દિવસોમાં ગીર સાસણમાં સ્ટેટ ઓફ આર્ટ હોસ્પિટલ શરૂ કરવા રાજ્ય સરકારની યોજના છે. ગુજરાતના ગૌરવ સમાન એશિયાટિક સિંહ વિશ્વસ્તરે ઉજાગર થાય તે માટે સરકારે પ્રયાસો હાથ ધર્યા છે.
વિશ્વ સિંહ દિવસે વર્ચ્યુઅલ ઉજવણીમાં સહભાગી થતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાયન પ્રોજેક્ટની જાહેરાત કરી હતી.
આ પ્રોજેક્ટ હેઠળ આગામી દિવસોમાં ગુજરાતમાં રેસ્કયૂ સેન્ટર્સ, લેબોરેટરી, બ્રિંડીગ સેન્ટર, રેડિયો કોલર અને મોર્ડન ટેકનોલોજી મદદથી સિંહ સરંક્ષણ અને સંવર્ધનની કડીને વધુ મજબૂત બનાવવામાં આવશે.
આગામી દિવસોમાં સાસણ ગીરમાં સ્ટેટ ઓફ આર્ટ હોસ્પિટલ અને ડીસીઝ ડાયગ્નોસ્ટિક એન્ડ રિસર્ચ સેન્ટર સ્થાપના કરવા સરકારે વિચાર્યુ છે. સિૅહોના આનુવાંશિક ગુણોને જાળવી રાખવા સિંહ પ્રજાતિના સંવર્ધન માટે સૌરાષ્ટ્રના રામપરા, જુનાગઢના સક્કરબાગ, સાચવિરડા એમ ત્રણ સ્થળોએ જીનપુલ શરૂ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત રાજ્ય સરકારે સિંહના આરોગ્યના જતન, સરંક્ષણ માટે સાસણગીરમાં અદ્યતન લાયન હોસ્પિટલ, લાયન એમ્બ્યુલન્સ, રેસ્ક્યૂ એન્ડ રેપિડ એક્શન ટીમ, ટેકર્સ અને વન્યપ્રાણી મિત્ર કન્સેપ્ટ વિકસાવી વનરાજની માવજતનુ કામ જનસહયોગથી શરૂ કરાયુ છે. સિંહોમાં ભૂતકાળમાં જોવા મળેલી બિમારી સામે રક્ષણ આપવા છેક અમેરિકાથી રસી મંગાવવામાં આવી હતી.