અક્ષયકુમારે બોલીવૂડમાં પોતાનું અનોખું સ્થાન ઊભું કર્યું છે. તે વર્ષમાં સૌથી વધુ ફિલ્મો સાઇન કરનારો અભિનેતા તરીકે પ્રસ્થાપિત થયો છે. જોકે તે ફિલ્મોમાં સતત વ્યસ્ત રહેતો હોવા છતાં પણ સામાજિક કાર્યોમાં પણ અગ્રેસર છે, તે જ્યાં જરૂર હોય ત્યાં આર્થિક મદદ કરવામાં પણ મોખરે હોય છે. તાજેતરમાં તેણે કાશ્મીરમાં એક સ્કૂલના નિર્માણ માટે રૂ. એક કરોડનું દાન આપ્યું છે.
અક્ષયે ગત 17 જુને કાશ્મીરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સના એક કેમ્પની મુલાકાત લીધી હતી. જ્યાં તેણે એક જર્જરિત શાળા જોઇ હતી જે બીએસએફ માટે હતી. અક્ષયે આ સ્કુલને ફરીથી બચાવવા માટે ડોનેશન આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. અક્ષયે સોશિયલ મીડિયા પર એક તસવીર મુકીને શેર કર્યું હતું કે, દેશની સીમાઓની રક્ષા કરનારા બીએસએફના બહાદુર જવાનો સાથે આજે મેં એક યાદગાર દિવસ વિતાવ્યો છે. જેનો અનુભવ સુખદ જ હોય. સાચા હીરોને મળીને મારું દિલ સમ્માન અનુભવે છે. ત્યાર પછી બીએસએફના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી તસવીરો શેર કરવામાં આવી છે. તેમાં જોવા મળે છે કે, સ્કૂલની શિલાન્યાસ વિધિ કરવામાં આવી છે અને સ્કૂલનું નામ અક્ષયકુમારના પિતા હરિઓમ ભાટિયાના નામ પરથી રાખવામાં આવ્યું છે.
અક્ષય અત્યારે પોતાની નવી ફિલ્મ બેલબોટમને થિયેટરમાં જ રિલીઝ કરવાના કામમાં વ્યસ્ત છે. કોરોના મહામારી દરમિયાન ઘણા નિર્માતાઓએ પોતાની ફિલ્મ સાથે કોઇપણ પ્રકારનું જોખમ ન લેતાં ઓટીટી પ્લેટફોર્મ રીલિઝ કરવાની ઉતાવળ કરી હતી. પરંતુ અક્ષય પોતાની નવી ફિલ્મને થિયેટરમાં જ રિલીઝ કરવા ઇચ્છે છે. આ ફિલ્મને 19 ઓગસ્ટે થિયેટરમાં રિલીઝ કરવાની જાહેરાત કરી છે. અગાઉ એપ્રિલ મહિનામાં તેને રિલીઝ કરવાની યોજના હતી. પરંતુ કોરોનાને કારણે તે શક્ય બન્યું નહોતું. અક્ષયકુમારની આ ફિલ્મ 3Dમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં તેની સાથે વાણી કપૂર, લારા દત્તા અને હુમા કુરેશી પણ છે. આ ફિલ્મને જેકી ભગનાનીએ પ્રોડ્યુસ કરી છે.