ઈન્ડિયાથી વિદેશયાત્રાની માંગમાં વધારો થવાના પગલે છેલ્લા એક મહિનામાં સરેરાશ ઈકોનોમી ક્લાસની એર ટિકિટના ભાવમાં અસાધારણ વધારો નોંધાયો છે. એર ટિકિટના બુકિંગ સહિતની સેવાઓ આપતી એક વેબસાઈટ ઈઝમાયટ્રિપ.કોમ ઉપરથી મળતી માહિતી મુજબ જુલાઈ મહિનામાં નવી દિલ્હીથી અમેરિકાના નેવાર્કની ફલાઈટની ટિકિટનો ભાવ રૂ. 69,034 હતો તે વધીને ઓગસ્ટમાં રૂ. 87,542 થયો હતો.
એવી જ રીતે મુંબઈ – મોસ્કો અને મુંબઈ – દોહા (કતાર) ફલાઈટની ટિકિટનો સરેરાશ ભાવ જુલાઈ મહિનામાં અનુક્રમે રૂ. 43,132 તથા રૂ. 11,719 હતો, તે ઓગસ્ટમાં વધીને અનુક્રમે રૂ. 85,024 તથા રૂ. 18,384 થયો હતો.
ઈઝમાયટ્રિપ.કોમના સીઈઓ અને સહસ્થાપક નિશાંત પિટ્ટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં અનેક દેશોએ ભારતીય નાગરિકો માટેના પ્રવાસ નિયંત્રણો હળવા કર્યા હતા, જેના પગલે પ્રવાસની માંગમાં વધારો થયો હતો. તેમણે એવો નિર્દેશ પણ કર્યો હતો કે, ઈંધણના (ફયુઅલ) ભાવમાં વધારો તેમજ માંગની સામે પ્રાપ્ય સીટ્સની સંખ્યા ઓછી હોવાના કારણે પણ ટિકિટના દરમાં અસાધારણ રીતે વધારો થયો હતો.
ખાસ કરીને ભારત – યુકેની ફલાઈટ્સના ટિકિટના ભાવમાં અસાધારણ વધારો થવા વિષે પ્રવાસીઓ સોશિયલ મીડિયા ઉપર વ્યાપક ફરિયાદો કરી રહ્યા છે. ભારત સરકારના ગૃહ મંત્રાલયના ઈન્ટર સ્ટેટ કાઉન્સીલ સેક્રેટેરીએટના સેક્રેટરી સંજીવ ગુપ્તાએ ગયા સપ્તાહે શનિવારે ટ્વીટર ઉપર જણાવ્યું હતું કે, બ્રિટિશ એરવેઈઝની દિલ્હી – લંડન ફલાઈટમાં 26મી ઓગસ્ટ માટેનો ઈકોનોમી ક્લાસની ટિકિટનો ભાવ રૂ. 3.95 લાખ હતો. એ જ દિવસની વિસ્તારા તથા એર ઈન્ડિયાની ફલાઈટમાં ટિકિટનો ભાવ રૂ. 1.2 લાખથી રૂ. 2.3 લાખનો હતો.
આ સ્થિતિ અંગે વિસ્તારાના પ્રવકત્તાએ કહ્યું હતું કે, ટિકિટના ભાવ હંમેશા બજાર આધારિત, માંગ અને પુરવઠા મુજબ વધે કે ઘટે છે. હાલમાં ઈન્ડિયાથી યુકેના રૂટ્સ ઉપર ભારતની એરલાઈન્સને દર સપ્તાહે ફક્ત 15 ફલાઈટ્સના સંચાલનની મંજુરી છે. આ નિયંત્રણો હળવા થાય, વધુ ફલાઈટ્સને મંજુરી મળે ત્યારે ભાવ આપમેળે નીચા જશે.
રાબેતા મુજબની (શિડ્યુલ્ડ) ઈન્ટરનેશનલ ફલાઈટ્સ ભારતે ગયા વર્ષે 23મી માર્ચથી બંધ કરેલી છે. એ પછી, યુકે સહિતના 28 દેશો વચ્ચે દ્વિપક્ષી એર બબલ વ્યવસ્થા હેઠળ ગયા વર્ષે જુલાઈથી થોડી ફલાઈટ્સ ફરી શરૂ કરાઈ હતી.
નિશાંત પિટ્ટીના જણાવ્યા મુજબ ભારતમાં વેક્સિન ઝુંબેશે ખાસી પ્રગતિ કરી છે ત્યારે તેમની ધારણા છે કે, હવે પ્રવાસન ક્ષેત્રની માંગમાં વધારો થશે.