પોર્ન ફિલ્મો બનાવવા અને પેઈડ એપ પર તેને પ્રસારિત કરવાના આરોપમાં જેલની સજા કાપી રહેલા ઇન્ડિયન બ્રિટિશ બિઝનેસમેન રાજ કુન્દ્રાની જામીન અરજી પર સુનાવણીને મુંબઈની સેશન્સ કોર્ટે મંગળવારે મોકૂફ રાખી હતી. હવે કોર્ટ રાજ કુન્દ્રાની જામીન અરજી પર 20 ઓગસ્ટ 2021ના રોજ સુનાવણી કરશે. રાજ કુન્દ્રાની સાથે તેના સહયોગી રાયન થોર્પની જામીન અરજીની સુનાવણીને પણ મોકૂફ રાખવામાં આવી હતી.
મુંબઈની સેશન્સ કોર્ટ દ્વારા સુનાવણી 20 ઓગસ્ટ સુધી મોકૂફ રાખવામાં આવતા રાજ કુન્દ્રાએ હજુ ઓછામાં ઓછા દસ દિવસ આર્થર રોડ જેલમાં પસાર કરવા પડે તેવી શક્યતા છે. આ પહેલા મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા રાજ કુન્દ્રાની જામીન અરજીને ફગાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સેશન્સ કોર્ટ દ્વારા પણ રાજ કુન્દ્રાની જામીન અરજીની સુનાવણી બે વાર મુલતવી રાખવામાં આવી છે.
રાજ કુન્દ્રા અને રાયન થાર્પે પોતાની ધરપકડને ગેરકાયદેસર ગણાવીને તાત્કાલિક મુક્ત કરવાની અરજી બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરી હતી. આ અરજીને પણ બોમ્બે હાઈકોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પોર્નોગ્રાફી રેકેટના કેસમાં પોલીસે ફેબ્રુઆરી મહિનામાં એફઆઈઆર દાખલ કરીને અનેક લોકોની ધરપકડ કરી હતી. ત્યારપછી જ્યારે તપાસ આગળ વધી તો કેસમાં રાજ કુન્દ્રાનું નામ સામે આવ્યુ હતું. પોલીસનો દાવો છે કે આ સમગ્ર રેકેટનું નેતૃત્વ રાજ કુન્દ્રા દ્વારા કરવામાં આવ્યું છે અને તેની દેખરેખ હેઠળ અશ્લીલ વીડિયો બનાવવાનો ગેરકાયદેસર ધંધો ચલાવવામાં આવતો હતો.