ભારતના રોકાણકારો ટૂંક સમયમાં ગુજરાતના ગિફ્ટ સિટી ખાતેના એનએસઇના પ્લેટફોર્મ મારફત ગૂગલ, એપલ, એમેઝોન કે બીજી અમેરિકામાં લિસ્ટેડ કંપનીઓના શેરોની ખરીદી અને વેચાણ કરી શકશે. ગાંધીનગર ખાતેના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર (IFSC) સ્થિત એનએસઇ ઇન્ટરનેશનલ એક્સ્ચેન્જ (NSE IFSC)એ સોમવારે જણાવ્યું હતું કે કંપનીએ ભારતના રોકાણકારો અમેરિકાના શેરો ખરીદી શકે તે માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે અને બ્રોકર રજિસ્ટ્રેશનની કામગીરી ચાલુ છે. રોકાણકારોએ શેરો ખરીદવા માટે ગિફ્ટી સિટી સ્થિત કંપનીઓમાં ડિમેટ એકાઉન્ટ ખોલાવવું પડશે.
હાલમાં ભારતના રોકાણકારો અમેરિકા અને ભારતમાં પરવાનગી ધરાવતા નિયુક્ત ઓનલાઇન બ્રોકર્સ માારફત અમેરિકાના શેરો ખરીદી શકે છે.
આમ ગુજરાત સ્થિત ગિફ્ટ સિટી હવે વિદેશી સ્ટોકના ટ્રેડિંગનું હબ બનવા જઇ રહ્યુ છે. એનએસઇ એ જણાવ્યુ કે, ભારતમાં આવા પ્રકારની પહેલી સુવિધા હશે, જ્યાં ભારતીય રોકાણકારો એનએસઇ આઇએફએસસી પ્લેટફોર્મ પર રિઝર્વ બેન્ક દ્વારા નિર્ધારિત લિબર્લાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ (એલઆરએસ) લિમિટ હેઠળ ટ્રેડિંગ કરી શકશે.
ઉલ્લેખનિય છે કે, રિઝર્વ બેન્કના લિબર્લાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ ફ્રેમવર્ક હેઠળ ભારતમાં રહેનાર વ્યક્તિને દર નાણાંકીય વર્ષ દીઠ 2,50,00 ડોલર (લગભગ 1.86 કરોડ રૂપિયા) સુધીની રકમ વિદેશમાં મોકલવાની પરવાનગી મળે છે.
અલબત્ત, એનએસઇ એ હજી સુધી અમેરિકાના શેરબજારમાં લિસ્ટેડ એવા સ્ટોક્સની યાદી જાહેર કરી નથી જે આગામી સમયમાં ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થશે. સ્ટોક્સને એક અનસ્પોન્સર્ડ ડિપોઝિટરી રિસિપ્ટ (ડીઆર)ના રૂપમાં ઇશ્યૂ કરવામાં આવશે.
એનએસઇએ જણાવ્યું હતું કે સૂચિત ફ્રેમવર્ક હેઠળ રિટેલ રોકાણકારો માટે અમેરિકાના સ્ટોક્સને વાજબી બનાવાશે અને ફંક્શન્લ ક્વોન્ટિટી અને વેલ્યૂમાં ટ્રેડિંગ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. જેનાથી અમેરિકાના મોંઘા સ્ટોક્સમાં ભારતીય રોકાણકારો માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું સસ્તું થઇ જશે.