ટોકિયો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં ભારતને ગોલ્ડ મેડલ જીતાડનાર નીરજ ચોપરા અને બીજા મેડલ વિજેતા ખેલાડીઓ પર ઈનામોનો વરસાદ થયો હતો. નીરજ ચોપરાને હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરે રૂા 6 કરોડના ઇનામની રવિવારે જાહેરાત કરી હતી. આ સિવાય આ કુશ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતનાર બજરંગ પૂનિયાને હરિયાણા સરકાર રૂા.2.5 કરોડ આપશે. નીરજ ચોપરાને રૂ. 6 કરોડની સાથે સાથે સરકારી નોકરી આપવાની પણ જાહેરાત કરી હતી.
મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ નીરજ ચોપરાને કંપનીની આવનારી કાર XUV700 ભેટમાં આપવાની જાહેરાત કરી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈએ ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરા માટે રૂા.1 કરોડ અને સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનુ અને રવિ દહિયા માટે રૂ.50 લાખ અને બ્રોન્ઝ મેડલ વિજેતા પીવી સીંધુ, લવલીના બોરગોહેન અને બજરંગ પુનિયા માટે રૂ.25-25 લાખની જાહેરાત કરી હતી. બીસીસીઆઈએ હોકી પુરુષ ટીમને રૂા.1.25 લાખ આપશે.
ભારતની ગો ફર્સ્ટ અને સ્ટાર એર સહિતની બે એરલાઇનને છ એથ્લીટ અને મેન્સ હોકી ટીમ માટે ફ્રી ટ્રાવેલની રવિવારે જાહેરાત કરી હતી. ગો ફર્સ્ટે આગામી પાંચ વર્ષ માટે ખેલાડીઓને ફ્રી ટિકિટની જાહેરાત કરી હતી, જ્યારે રિજનલ એરલાઇન સ્ટાર એરે મેડલ વિજેતાને લાઇફસ્ટાઇમ ફ્રી એર ટ્રાવેલની ઓફર કરી હતી.