ખાદ્ય તેલના ભાવ આસમને પહોંચતાં રાજ્ય સરકારની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજ્યમાં સિંગતેલ અને કપાસિયાના તેલના ડબ્બાનો ભાવ રૂા.2500 સુધી પહોંચ્યો છે. કોરોના મહામારીમાં ભાવમાં સતત વધારાને પગલે આમજનતાને કારમી મોંઘવારીનો અહેસાસ થઇ રહ્યો છે. પાંચ સફળ વર્ષની ઉજવણી થઇ રહી છે ત્યારે જ તેલના ભાવ રોકેટ ગતિએ રહ્યા છે.
ભાવને અંકુશમાં લેવા માટે પુરવઠા પ્રધાને જયેશ રાદડિયાએ સંગ્રહખોર તેલિયારાજાઓ પર વિજીલન્સના દરોડા પાડી કાર્યવાહી કરવા સંકેત આપ્યા હતા. પાંચ વર્ષનુ શાસન પૂર્ણ થતાં અમદાવાદમાં યોજાયેલાં એક કાર્યક્રમમાં અન્ન નાગરિક પુરવઠા પ્રધાન રાદડિયાએ જણાવ્યું કે, તેલિયા રાજાઓને બક્ષવામાં નહી આવે. સંગ્રહખોરો પર વિજિલન્સના દરોડા પાડવામાં આવશે. ગરીબોને સસ્તુ તેલ મળે તેવા સરકારના પ્રયાસો છે. આ બાજુ , લોકોમાં એવી ચર્ચા છેકે, તેલિયા રાજાઓ પર સરકારનો જાણે કોઇ કાબુ ન હોય તે રીતે તેલના ભાવો દિવસે દિવસે વધી રહ્યાં છે.