ભારત સરકારે વિવાદાસ્પદ પશ્વાતવર્તી ટેક્સના કાયદાને નાબૂદ કરવાનો ગુરુવારે નિર્ણય કર્યો હતો અને તે માટે આવકવેરા ધારામાં સુધારો કરશે. ઉલ્લેખનિય છે કે, આ વિવાદિત રેટ્રોસ્પેક્ટિવ ટેક્સના કાયદાના કારણે જ બ્રિટનની કંપનીઓ કેઇર્ન એનર્જી અને વોડાફોન પીએલસી અને બીજી 15 વિદેશી કંપનીઓ સાથે ટેક્સ સંબંધિત કેસ ચાલી રહ્યો છે.
કેન્દ્રીય પ્રધાનમંડળે વર્ષ 2012ના આ વિવાદાસ્પદ ટેક્સ કાયદામાં સુધારો કરવા માટેના એક ખરડાને ગુરુવારે મંજૂરી આપી હતી. નાણાપ્રધાન નિર્મલા સીતારમને લોકસભામાં ધી ટેક્સેશન લોઝ (એમેન્ડમેન્ટ) બિલ – 2021 રજૂ કર્યું હતું, જે 28 મે, 2012ની પહેલા ભારતીય સંપત્તિના પરોક્ષ ટ્રાન્સફર પર કરવેરાની માંગણીઓ પાછી ખેંચવાનો પ્રયાસ છે. રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ ડિમાન્ડના કેસોમાં ચૂકવણી કરવામાં આવેલી રકમને કોઇ પણ પ્રકારના વ્યાજ વગર રિફંડ કરવાની દરખાસ્ત છે, પરંતુ તે માટે કેટલીક શરતો હશે. સંબંધિત પક્ષોએ પેન્ડિંગ કેસો પરત ખેંચવા પડશે અને એવુ સોગંદનામું આપવુ પડશે કે તેઓ કોઇ પણ પ્રકારની ક્ષતિપૂર્તિ કે વ્યાજનો દાવો કરશે નહી.
નાણાંપ્રધાન નિર્મલા સિતારમને જણાવ્યુ કે, આ ખરડા હેઠળ ઇન્કમટેક્સ એક્ટમાં સુધારો કરવાની દરખાસ્ત છે, જેથી એવી જોગવાઇ કરી શકાય કે 28 મે, 2012 પહેલા ટ્રાન્સફર કરવામાં આવ્યું હશે તો ભારતીય સંપત્તિના પરોક્ષ ટ્રાન્સફર માટે અગાઉના સુધારાના આધારે ભવિષ્યમાં કોઇ કરવેરાની માંગણી કરવામાં આવશે.
રેટ્રોસ્પેક્ટિવ ટેક્સનો કાયદો રદ થવાથી ઓછામાં ઓછી બે દિગ્ગજ કંપનીઓ – કેઇર્ન એનર્જી પીએલસી અને વોડાફોન ગ્રૂપના પશ્વાતવર્તી ટેક્સ કેસોને ઉકેલ આવી શકે છે. આ વિદેશી કંપનીઓએ ભારત સરકાર દ્વારા તેમની પાસેથી રેટ્રોસ્પેક્ટિવ ટેક્સની માંગણી કરવા વિરુદ્ધ ઇન્ટરનેશનલ આર્બિટ્રેશનમાં કેસ દાખલ કર્યો હતો. કેઇર્ન એનર્જીએ આંતરાષ્ટ્રીય લવાદ કોર્ટમાં ભારત સરકાર વિરુદ્ધ ચુકાદો મેળવ્યો હતો અને તેને વિદેશમાં ભારત સરકારની સંપત્તિ જપ્ત કરવાની પણ કાર્યવાહી ચાલુ કરી છે.