19મી સદીના હિન્દુ ધાર્મિક નેતા સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું બુધવારે 28 જુલાઈ 2021ના રોજ હેરો આર્ટ્સ સેન્ટરના ડાન્સ સ્ટુડિયોની સામે અનાવરણ કરવામાં આવ્યું હતું.
હેરોના મેયર, કાઉન્સિલર ગઝનફર અલીએ આ અનાવરણ સમારંભની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગે બ્રેન્ટ કાઉન્સિલના નેતા મોહમ્મ્દ બટ્ટ, પૂર્વ GLA મેમ્બર નવિનભાઇ શાહ, બ્રેન્ટના મેયર કાઉન્સિલર લીયા કોલોસિકો, હેરો અને બ્રેન્ટ કાઉન્સિલના નેતાઓ – કાઉન્સિલરો, ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટરના રાજરાજેશ્વર ગુરૂજી, ભક્તિ વેદાંત મનોરના વડા અને સમુદાયના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
હેરોમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કરવા માટેનું સ્વપ્ન હેરોના ભૂતપૂર્વ મેયર અને કાઉન્સિલર સ્વ. મૃણાલ ચૌધરીએ જોયું હતું અને તે માટે ભંડોળ ઉભુ કરવાની પ્રવૃત્તિનું નેતૃત્વ કરી ત્રણ વર્ષમાં તમામ ભંડોળ એકત્રિત કર્યુ હતું. લંડન કાલીબારી સંસ્થાના ધણાં સભ્યો, સમર્થકો અને દાતાઓએ પણ તે માટે દાન આપ્યું હતું. 1 ઓગસ્ટ 2020ના રોજ તેમના નિધન પછી, ભારતીય મૂળના લોકોની બનેલી હેરો સ્થિત સ્વૈચ્છિક સમુદાયીક સંસ્થા લંડન કાલીબારીના સભ્યોએ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે આગેવાની લીધી હતી. શ્રી ચૌધરીના અંગત મિત્ર, ભૂતપૂર્વ હેરો કાઉન્સિલર અને લંડન એસેમ્બલી મેમ્બર/ચેર શ્રી નવીનભાઇ શાહ દ્વારા ખૂબ જ મદદ કરાઇ હતી.
હેરો આર્ટસ સેન્ટર માટે તૈયાર કરવામાં આવેલ પ્રતિમા પોર્ટલેન્ડ સ્ટોન સ્ટેચ્યુ છે અને વિખ્યાત કલાકાર ટોમ નિકોલસને સ્વામી વિવેકાનંદની નવી પ્રતિમા ડિઝાઇન કરવા માટે જવાબદારી સોંપવામાં આવી હતી.
સંસ્થા દ્વારા પ્રતિમાના શિલ્પકાર શ્રી ટોમ નિકોલ્સ, નવિનભાઇ શાહ અને પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર શ્રી રવિ પટેલનો આભાર વ્યક્ત કરાયો હતો.