એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે બોસની ટિપ્પણીઓ પર ઘણી વખત અપમાનિત થયા હોવાનો દાવો કરતી હાઇ પ્રોફાઇલ મહિલા વકીલ દ્વારા કરાયેલા સતામણીના આરોપો ફગાવી દીધા હતા. જાહેર કરેલી “અતિસંવેદનશીલતાની સંસ્કૃતિ”ને પ્રોત્સાહન ન આપવું મહત્વપૂર્ણ છે એમ જણાવી કોર્ટે આક્ષેપોને ફગાવ્યા હતા.
31 વર્ષીય નિરોશા સિથિરાપથીએ યુકે સ્થિત સાયન્સ અને એન્જિનિયરિંગ કંપની PSI CRO યુકે લી. સામે જાતીય સતામણી, વય સંબંધિત સતામણી અને/અથવા જાતીય અભિગમ સહિત 42 ભેદભાવના આરોપો એમ્પલોયમેન્ટ ટ્રિબ્યુનલ સમક્ષ દાખલ કર્યા હતા. 2014માં કંપનીમાં જોડાયાના બે વર્ષ પછી, તેમને સ્વિટ્ઝર્લેન્ડમાં રોલ ઓફર કરાયો હતો. જે તેમણે “વ્યક્તિગત કારણો” આપીને ઠુકરાવ્યો હતો. તેમના મેનેજર માર્ટિન શ્મિટે “તમે લગ્ન નથી કર્યા, તમને બાળકો નથી અને તમારો બોયફ્રેન્ડ પણ નથી. તો શા માટે જવા માંગતા નથી” તેમ પૂછતા તેણી “અસ્વસ્થ અને ગુસ્સે” થઈ ગઈ હતી એમ કોર્ટને જણાવ્યું હતું. કોર્ટમાં કહેવાયું હતું કે મેનેજરે સ્વિટ્ઝર્લેન્ડ ઑફિસ લેસ્બિયન પ્રત્યે સહિષ્ણુ છે એમ પણ તેણીને કહ્યું હતું. પાછળથી, તે “યુવાન” હોવાનું કારણ આપીને પ્રમોશન નકારવામાં આવ્યું હતું. ત્યારબાદ તે સ્વિટ્ઝર્લેન્ડ ઑફિસમાં જોડાવા સંમત થઈ હતી. તેણીએ બ્રિટીશ ઓફિસ છોડી દીધાના એક મહિના પછી તેણે સ્વિસ શહેરમાં સ્થળાંતર કર્યું હતું. તેણીએ પોતાની જૂની નોકરી પાછી મેળવવાનો પ્રયાસ કરતા તે જગ્યા ભરાઈ ગઈ હોવાનું જણાવાયું હતું એમ મેઇલ ઓનલાઈને જણાવ્યું હતું.
એમ્પલોયમેન્ટ જજ એમ્મા હોક્સવર્થે કહ્યું હતું કે, ‘’જાતીયતા વિશેની ટિપ્પણીઓ ખૂબ જ અણઘડ અને બેડોળ હતી. મિસ સિથિરાપથીને કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને અણઘડ હતી. જો કે, જજે તારણ કાઢ્યું હતું કે કંપનીએ ગેરકાયદેસર સતામણી કરવા જેવું કશું કર્યું નથી.