એનએચએસ એપ્લિકેશનમાં ફેરફારો કરવામાં આવ્યા હોવાના કારણે કોવિડ પોઝીટીવ લોકોની નજીકના સંપર્કમાં આવ્યા પછી હવે બહુ થોડા લોકોને જ “પિંગ્ડ” નોટિફીકેશન્સ મળશે એવી હેલ્થ એન્ડ સોશ્યલ કેર વિભાગે જાહેરાત કરી હતી. વ્યાપક “પિંગડેમિક”ના કારણે સેંકડો બ્રિટનવાસીઓને સેલ્ફ આઇસોલેટ થવાનું કહેવામાં આવ્યું હતું જેના કારણે આવશ્યક સેવાઓમાં વિક્ષેપના અહેવાલો આવ્યા હતા.
વિભાગે લોકોને ચિંતા વચ્ચે પોતાના એપનો ઉપયોગ ચાલુ રાખવા વિનંતી કરી હતી. હવે એપ વર્તમાન પાંચ દિવસને બદલે બે દિવસ પહેલા પોઝીટીવ ટેસ્ટ ધરાવનાર વ્યક્તિના નજીકના સંપર્કોને “પિંગ” કરશે. આ અપડેટ એપ્લિકેશનની સંવેદનશીલતાને અસર કરશે નહીં, અથવા રીસ્ક થ્રેશોલ્ડને બદલશે નહીં. મોબાઇલ એપ ધરાવનાર વ્યક્તિ જો પોઝીટીવ જાહેર થાય તેના પાંચ દિવસ પહેલા તેના સંપર્કમાં આવનાર બીજા એપ ધરાવનાર લોકોને નોટીફિકેશન મળે છે.
વૈજ્ઞાનિકોનું નવું વિશ્લેષણ દર્શાવે છે કે જુલાઈના પ્રથમ ત્રણ સપ્તાહમાં, કેસો ઝડપથી વધી રહ્યા હોવાથી, એપ દરરોજ 2,000 કેસને ટાળી દે છે અને અંદાજે 1,600 હોસ્પિટલમાં દાખલ થવાનું અટકાવે છે. 16 ઓગસ્ટથી, ઇંગ્લેન્ડમાં સંપૂર્ણપણે રસી મેળવનાર સંપર્કોને આઇસોલેશનમાંથી મુક્તિ આપવામાં આવશે અને તેના બદલે તેમને પીસીઆર ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવશે. જેમને સંપૂર્ણ રસી મળી નથી તેમને હજુ પણ આઇસોલેટ કરવાની જરૂર પડશે.