ઓલિમ્પિક્સમાં સેમિફાઈનલમાં પહોંચીને ઈતિહાસ રચનારી ભારતીય મહિલા હોકી ટીમનો બુધવારે આર્જેન્ટિના સામે સેમિફાઈનલમાં 1-2થી પરાજય થયો હતો. આ સાથે જ ટીમનું ગોલ્ડ કે સિલ્વર મેડલ જીતવાનું સપનું રોળાઈ ગયું હતું. જોકે, રાની રામપાલની આગેવાનીવાળી ટીમ પાસે હજી પણ બ્રોન્ઝ મેડલ જીતવાની તક રહેલી છે. ભારતીય ટીમ હવે છઠ્ઠી ઓગસ્ટે બ્રોન્ઝ મેડલ માટેના મુકાબલામાં બ્રિટન સામે ટકરાશે.
સેમિફાઈનલમાં ભારતની ટીમને બીજી જ મિનિટે પેનલ્ટી કોર્નર મળ્યો હતો અને ટીમે તેનો ફાયદો ઉઠાવ્યો હતો. ગુરજીત કૌરે આ પેનલ્ટી કોર્નર પર ગોલ નોંધાવીને ભારતીય ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. આ સાથે જ ભારતે 1-0ની સરસાઈ મેળવી લીધી હતી. આર્જેન્ટિનાએ શરૂઆતમાં ભારતીય સર્કલમાં આક્રમક રમત દાખવી હતી પરંતુ ભારતનું ડિફેન્સ ઘણું જ મજબૂત હતું. જેના કારણે પ્રથમ ક્વાર્ટરમાં ભારતે આર્જેન્ટિનાને ગોલ કરવા દીધો ન હતો.
જોકે, બીજા ક્વાર્ટરમાં આર્જેન્ટિના 1-1થી સ્કોર સરભર કરવામાં સફળ રહ્યું હતું. 18મી મિનિટે મળેલા પેનલ્ટી કોર્નર પર મારિયા બેરિઓનુએવોએ ગોલ નોંધાવ્યો હતો. ત્યારબાદ બંને ટીમોએ ગોલ નોંધાવવા માટે પ્રયાસો કર્યા હતા પરંતુ હાફ ટાઈમ સુધી સ્કોર 1-1થી બરાબરી પર રહ્યો હતો.
ત્રીજા ક્વાર્ટરમાં આર્જેન્ટિનાને વધુ એક પેનલ્ટી કોર્નર મળ્યો હતો જેના પર સુકાની મારિયા બેરિઓનુએવોએ વધુ એક ગોલ નોંધાવીને ટીમને 2-1થી આગળ કરી દીધી હતી. ત્યારપછી ભારતે સ્કોર સરભર કરવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા અને આક્રમક રમત દાખવી હતી પરંતુ તે આર્જેન્ટિનાના ડિફેન્સને ભેદવામાં સફળ રહી ન હતી. જોકે, તેને સફળતા મળી ન હતી. ચોથા અને અંતિમ ક્વાર્ટરમાં પણ ભારતીય મહિલાઓએ શાનદાર રમત દાખવી હતી પરંતુ તેમાં પણ તેને સફળતા મળી ન હતી.