ટોક્યો ઓલિમ્પિક્સમાં હરિયાણાના રેશલર રવિ દહિયાએ ફાઇનલમાં પ્રવેશ કરીને બુધવારે ભારત માટે ચોથો મેડલ સુનિશ્ચિત કર્યો હતો. 23 વર્ષીય દહિયાએ 57 કિલોગ્રામ વજનની કેટેગરીની સેમિ-ફાઇનલમાં કઝાકિસ્તાનના નૂરીસ્લામ સનાયેવને હરાવ્યો હતો. હવે ફાઇનલ ગુરુવારે રમાશે, જ્યાં રવિ ગોલ્ડ અથવા સિલ્વર મેડલ જીતશે. સેમિ-ફાઇનલમાં રવિ 7-9 પોઇન્ટથી પાછળ હોવા છતાં 1 મિનિટની અંદર તેણે કઝાકિસ્તાનના રેસલરને ચોંકાવી મેચની દિશા પલટી દીધી હતી.
ફાઈનલમાં રવિ કુમારનો સામનો રશિયાના ઝાઉર ઉગુએવ સામે થશે. આ મુકાબલો ગુરૂવારે સાંજે 4.20 કલાકે રમાશે.આ સાથે જ તે રેસલિંગમાં ઓલિમ્પિક મેડલ જીતનારો ભારતનો પાંચમો રેસલર બનશે. અગાઉ કેડી જાધવ, સુશીલ કુમાર, યોગેશ્વર દત્ત અને સાક્ષી મલિકે કુસ્તીમાં ઓલિમ્પિક મેડલ જીત્યા છે. જેમાંથી સુશીલ એકમાત્ર ભારતીય રેસલર છે જેણે બે ઓલિમ્પિક મેડલ જીત્યા છે.