અમેરિકાએ આશરે 82 મિલિયન ડોલરના અંદાજિત ખર્ચ સાથે ભારતને હાર્પૂન જોઇન્ટ કોમન ટેસ્ટ સેટ (JCTS) અને સંબંધિત ઇક્વિપમેન્ટનું ભારતને વેચાણ કરવાની મંજૂરી આપી છે. અમેરિકાએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી દ્વિપક્ષીય વ્યૂહાત્મક સંબંધો મજબૂત બનાવવામાં તથા ઇન્ડો પેસિફિક રિઝનમાં મુખ્ય ભાગીદાર દેશની સુરક્ષામાં સુધારો કરવામાં મદદ મળશે.
સોમવારે સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે પેન્ટાગોનની ડિફેન્સ સિક્યોરિટી કો-ઓપરેશન એજન્સી (DSCA)એ જરૂરી પ્રમાણપત્ર આપ્યું હતું અને આ સંભવિત વેચાણ અંગે યુએસ સંસદને માહિતી આપી હતી. નિવેદનમાં જણાવાયું હતું કે ભારત સરકારે હાર્પૂન જોઇન્ટ કોમન ટેસ્ટની ખરીદી માટે વિનંતી કરી હતી. આ સોદામાં હાર્પૂન ઇન્ટરમેડિયેટ સ્ટેશન, સ્પેર એન્ડ રિપેર પાર્ટસ, સપોર્ટ એન્ડ ટેસ્ટ ઇક્વિપમેન્ટ, ટેકનિકલ ડોક્યુમેન્ટેશન, પર્સન ટ્રેનિંગ, યુએસ ગવર્નમેન્ટ એન્ડ કોન્ટ્રાક્ટર ટેકનિકલ, એન્જિનિયરિંગ અને લોજિસ્ટીક્સ સપોર્ટ સર્વિસનો સમાવેશ થાય છે. તેનો કુલ અંદાજિત ખર્ચ 82 મિલિયન છે.
1977માં સૌ પ્રથમ વખત યુએસ આર્મીમાં સામેલ કરવામાં હાર્પૂન ઓલ વેધર એન્ટિ શીપ મિસાઇલ સિસ્ટમ છે. હાર્પૂન મિસાઇલ વિશ્વના સૌથી સફળ એન્ટી શિપ મિસાઇલ છે અને હાલમાં 30 કરતાં વધુ દેશોની આર્મી તેનો ઉપયોગ કરે છે.
અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું હતું કે સૂચિત દેશી લશ્કરી વેચાણથી હાલના અને ભવિષ્યના જોખમનો સામનો કરવાની ભારતની ક્ષમતામાં વધારો થશે. સરળ અને કાર્યક્ષમ હાર્પૂન મિસાઇલ મેન્ટેનન્સ ક્ષમતાથી ભારતના લશ્કરી દળોની તૈયારીમાં વધારો થશે. પેન્ટાગોને જણાવ્યું હતું કે આ ઇક્વિપમેન્ટને લશ્કરી દળોમાં સામેલ કરવામાં ભારતને મુશ્કેલી પડશે નહીં. આ ઇક્વિપમેન્ટ એન્ડ સપોર્ટના સૂચિત વેચાણથી આ રિજનમાં લશ્કરી સંતુલન ખોરવાશે નહીં.