ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિઓ વધવા લાગી છે. સોમવારે નવી દિલ્હીમાં સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવે રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની મુલાકાત લીધી હતી.
ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે સોમવારે ટ્વીટર પર બંને દિગ્ગજોની મુલાકાતની તસવીર શેર કરી હતી. ઉલ્લેખનીય છે કે, મુલાયમ સિંહ યાદવે સોમવારે સંસદના સત્રમાં પણ ભાગ લીધો હતો. અખિલેશે જે ફોટો શેર કર્યો હતો તેમાં બંને નેતા ચા પીતા જોવા મળ્યા હતા.
આ મુલાકાત બાદ લાલુ યાદવે પણ ટ્વીટ કર્યું હતું કે દેશના વરિષ્ઠતમ સમાજવાદી સાથી આદરણીય શ્રી મુલાયમ સિંહ જીની મુલાકાત લઈને તેમના ક્ષેમકુશળ જાણ્યા. સાથે જ તેમણે ચર્ચા કરવામાં આવેલા મુદ્દાઓની નોંધ પણ લખી હતી. અંતમાં તેમણે આજે દેશને મૂડીવાદ અને સંપ્રદાયવાદની નહીં પણ લોકસમતા અને સમાજવાદની અત્યંત જરૂર છે તેમ લખ્યું હતું. . થોડા દિવસ પહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ શરદ પવારે પણ લાલુ યાદવની મુલાકાત લીધી હતી.