પ્રતિક તસવીર

મહાત્મા ગાંધીના ગુજરાતમાં સત્તાવાર રીતે દારુબંધી છે, પરંતુ રાજ્યના આશરે 19.53 લાખ લોકો નિયમિત ધોરણે શરાબ સેવન કરે છે, એવી ખુદ કેન્દ્ર સરકારે રાજ્ય સભામાં એક પ્રશ્નના જવાબમાં માહિતી આપી હતી.

2019માં AIIMS દ્વારા કરવામાં આવેલા નેશનલ ડ્રગ યુઝ સરવેને આધારે કેન્દ્રીય પ્રધાન એ નારાયણસામીએ આ માહિતી આપી હતી. આ ડેટા મુજબ, ગુજરાતમાં 4.3 ટકા લોકો દારૂનું વ્યસન ધરાવે છે. આ રાજસ્થાનના 2.3%, બિહારના 1% અને જમ્મુ-કાશ્મીરના 4% કરતા પણ વધારે છે. જો કે, રાષ્ટ્રીય સરેરાશ 17.1% હતો, જેનો જવાબમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આ માહિતી મુજબ ગુજરાતની 1.46 ટકા વસ્તી (6.64 લાખ) અફિણના, 1.38 ટકા (6.28 લાખ) સિડટિવના, 0.8 ટકા (3.64 લાખ) ગાંજાના આદી હતા. આ સિવાય 0.08 ટકા (36 હજાર) ઈન્હેલન્ટના વ્યસની હતા. સર્વેના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં કોકેન, ઍમ્ફેટમીન અને હલૂસિનજનના વપરાશકાર નહોતા. સર્વેમાં કુલ વસ્તીના આશરે 8 ટકા લોકો (36.5 લાખ) દારૂ અથવા ડ્રગ્સના બંધાણી હતા. સર્વેમાં તમાકૂના વ્યસન વિશે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો.