બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ શુક્રવારે 29 મીડિયા કર્મચારીઓ અને મીડિયા હાઉસે સામે પોતાની છબી ખરડતા અહેવાલ આપવા બદલ બોમ્બે હાઇ કોર્ટમાં બદનક્ષીનો દાવો માંડ્યો છે. અભિનેત્રીએ બિનશરતી માફી અને રૂ.25 કરોડના નુકસાનની પણ માગણી કરી છે. આ કેસની સુનાવણી 30 જુલાઇએ થશે. શિલ્પાના પતિ રાજ કુન્દ્રાની પોર્ન ફિલ્મ કેસમાં ધરપકડ પછી આ સેલિબ્રિટી દંપત્તિ મીડિયામાં છવાયેલું રહ્યું છે.
શિલ્પાએ માત્ર અલગ-અલગ મીડિયા હાઉસ જ નહીં પરંતુ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સામે પણ મોરચો માંડ્યો છે. શિલ્પાએ કેટલાક મીડિયા હાઉસ પાસે બિનશરતી માફી માગવા ઉપરાંત, તેની વિરુદ્ધ જે પણ લખાયું છે તેને હટાવવાની સાથે રૂ.25 કરોડનો પણ દાવો માંડ્યો છે.
પોર્ન ફિલ્મ બનાવવાના કેસમાં શિલ્પાના પતિ રાજ કુન્દ્રાને મુંબઈ ક્રાઈમ બ્રાંચે મુખ્ય આરોપી બનાવ્યો છે. તેની 19 જુલાઈએ ધરપકડ કરાઈ હતી અને હાલ તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. મુંબઈ પોલીસે શિલ્પા શેટ્ટીના ઘરમાં પણ તપાસ કરવાની સાથે તેની પૂછપરછ પણ કરી હતી. જોકે, રાજ કુન્દ્રા આવા કોઈ બિઝનેસ સાથે સંકળાયેલો નથી તેવો શિલ્પા શેટ્ટી સતત દાવો કરી રહી છે. આ ઉપરાંત, શિલ્પા અને રાજ કુન્દ્રા પર ઈનસાઈડ ટ્રેડિંગના આરોપમાં તથ્ય જણાતા સેબીએ તેમને 3 લાખનો દંડ પણ ફટકાર્યો હતો.