અમેરિકા સ્થિત અગ્રણી આઇટી કંપની કોગ્નિઝન્ટ આ વર્ષે 1 લાખ લોકોને નોકરી આપશે. કોગ્નિઝન્ટના કમર્ચારીઓ મોટા પ્રમાણમાં નોકરી છોડી રહ્યા છે જેના પરિણામ સ્વરૂપ કંપની આ ભરતી કરી રહી છે. હાલ કંપની પાસે 3.01 લાખ જેટલા કમર્ચારીઓ છે.
કોગ્નિઝન્ટના સીઈઓ બ્રાયન હમ્ફ્રીઝે જણાવ્યું હતું કે આ વર્ષે 30 હજાર નવા સ્નાતકોને નોકરી મળશે. 2022 માટે 45 હજારથી વધુ નવા સ્નાતકોને નોકરી અપાશે. બીજા ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક 4.6 બિલિયન ડોલર હતી.
કંપનીએ જણાવ્યું છે કે તેના 31 ટકાથી વધુ કમર્ચારીઓ નોકરી છોડીને ગયા છે. આ તેના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી ઊંચો એટ્રિશન રેટ છે. જૂન ક્વાર્ટરમાં 23,300 કર્મચારીઓએ નોકરી છોડી ચુક્યા છે. તેમાંથી 29 ટકા લોકોએ પોતાની ઈચ્છાથી નોકરી છોડી છે. કંપની આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે વધુ લોકોને નોકરી આપશે.
અમેરિકી આઇટી કંપનીએ જણાવ્યું હતું કે તેના બે તૃતિયાંશથી વધુ કમર્ચારીઓ ભારતમાં છે. એપ્રિલથી જૂન ક્વાર્ટર દરમિયાન સૌથી વધુ કમર્ચારીઓએ નોકરી છોડી છે. જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટર દરમિયાન તેના 21 ટકા કર્મચારીઓએ નોકરી છોડી દીધી હતી.આ દરમિયાન તમામ કંપનીઓમાંથી કોગ્નિઝન્ટનો એટ્રિશન રેટ સૌથી ઊંચો રહ્યો હતો.