દેશના જુદા જુદા ઝૂમાથી કેવડિયામાં વિવિધ પ્રાણીઓ લાવવા માટે ગુજરાતના 40 સિંહ બીજા રાજ્યોમાં મોકલવામાં આવશે. આ એક્સ્ચેન્જ પ્રોગ્રામ હેઠળ આવનારા તમામ પ્રાણીઓને કેવડિયામાં રાખવામાં આવશે.
દેશના એશિયાટિક સાવજોનું એકમાત્ર બ્રિડીંગ સેન્ટર જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી કુલ ૭૧ સિંહમાંથી ૪૦ જેટલા સિંહ દેશના જુદા જુદા પ્રાણી સંગ્રહાલયોમાં મોકલવા સરકારે મંજુરી આપી છે. સિંહના બદલામાં આવેલા પ્રાણીઓને કેવડીયાની શોભા વધારવા લઈ જવાશે તેવી કવાયત શરુ કરવામાં આવી છે.
જૂનાગઢ સક્કરબાગ ઝૂ માં હાલ ૭૧ જેટલા સિંહો છે, જેમાં ૨૪ નર, ૩૫ માંદા, અને ૧૨ બચ્ચા છે, આ ૭૧ સિંહો પૈકી ૪૦ જેટલા સિંહોને દેશના અન્ય ઝૂ અને સંગ્રહાલયોમાં મોકલવા માટે છેલ્લા કેટલાક સમયથી કવાયત ચાલી રહી હતી, જેને આખરે રાજ્ય સરકારે મંજુરી આપી દીધી છે, જે ૪૦ સિંહો સબ એડલ્ટ એટલે ત્રણ વર્ષથી નીચેના હોય તેની ઓળખ કરવા ઝૂ ને તાકીદ કરવામાં આવી છે. દેશના અન્ય રાજ્યો સાથે અનીમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સિંહો આપીને તેના બદલામાં અન્ય પ્રાણીઓ લેવામાં આવશે, જે પ્રાણીઓ આવશે તે કેવડીયા ખાતે લઈ જવામાં આવનાર છે. તેમજ સક્કરબાગ ઝૂમાંથી રીછની એક પેર કેવડીયા મોકલાશે.
સક્કરબાગથી દિલ્હી ખાતેના પ્રાણી સંગ્રહાલયમાં બ્રિડીંગ માટે એક સિંહ અને બે સિંહણ મોકલવામાં આવશે, તેના બદલામાં કેવડીયા માટે બે હિપોપોટેમસ, અને પાંચ બ્રો હરણ મોકલવામાં આવશે. તેમજ રાજસ્થાનથી ઘડિયાળ મેળવવા વાતચીત શરુ છે. હાલ દિલ્હી ખાતે એનીમલ પ્રોગ્રામ હેઠળ કરાર મંજુર કરવામાં આવ્યા છે, સાથે દેશના ચેન્નઈ, હૈદરાબાદ, આસામ, ભોપાલ ઝૂ ઓથોરીટી ગીરના સિંહ મેળવવા કતારમાં છે. સક્કરબાગ ઝૂ ખાતેથી અત્યાર સુધીમાં વિદેશના પાંચ જેટલા ઝૂ માં ૧૭ જેટલા સિંહો મોકલવામાં આવ્યા છે, જેમાં લંડન પ્રાગ ઝૂ, હેરસીંગા ઝૂ નો સમાવેશ થાય છે.