પોર્ન ફિલ્મ કેસમાં ઇન્ડિયન બ્રિટિશ બિઝનેસમેન રાજ કુન્દ્રાની ધરપકડ બાદ નવા નવા ખુલાસા થયા છે. કુન્દ્રા ગયા વર્ષે ઓગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે આશરે રૂ.1.17 કરોડની કમાણી કરી હતી. મુંબઈ પોલીસે મંગળવારે કોર્ટમાં જણાવ્યું હતું કે, એપલ સ્ટોરમાં રહેલી કથિત પોર્ન એપ થકી આ આવક થઈ હતી. પોલીસે ગુગલ પાસેથી પણ માહિતી માગી છે કે, એપના ક્યાં વધારે યૂઝર હતા. આ એપ્લિકેશનનો ઉપયોગ રાજ કુન્દ્રા દ્વારા અશ્લીલ ફિલ્મોના ઓનલાઈન વિતરણમાં થતો હતો.
કોર્ટે મંગળવારે રાજ કુન્દ્રાને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો. તેના વકીલે ધરપકડને ગેરકાયદે ગણાવી હતી અને જામીન માટે હાઈકોર્ટનો આશરો લીધો હતો. મુંબઈ ક્રાઈમ બ્રાંચ પોલીસના અધિકારીઓએ આ કેસમાં બોલિવુડ એક્ટ્રેસ અને રાજ કુંદ્રાની પત્ની શિલ્પા શેટ્ટીનું પણ નિવેદન લીધું હતું. શિલ્પા શેટ્ટીએ પોલીસને જણાવ્યું હતું કે, ઈરોટિકા એ પોર્ન કરતાં એકદમ અલગ છે, કે જેનો તેનો પતિ આરોપી છે. આટલું જ નહીં આવી ફિલ્મો બનાવવામાં તેના પતિની કોઈ સંડોવણી નથી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘શિલ્પા શેટ્ટીને હજી સુધી ક્લીન ચીટ આપવામાં આવી નથી. દરેક શક્ય એન્ગલથી તપાસ થઈ રહી છે. ફોરેન્સિક ઓડિટર્સની નિમણૂક કરવામાં આવી છે અને આ કેસમાં તેઓ તમામ એકાઉન્ટના ટ્રાન્ઝેક્શન તપાસી રહ્યા છે. વિઆન ઈન્ડસ્ટ્રીના અન્ય ડિરેક્ટર્સને પણ જરૂર પડશે ત્યારે નિવેદન માટે બોલાવવામાં આવશે. આ કેસમાં સાક્ષી તરીકે શર્લિન ચોપરાને નિવેદન માટે બોલાવાઈ હતી’. અગાઉ આ કેસમાં રાજ કુન્દ્રાનું નામ ‘મુખ્ય ષડયંત્રકાર’ તરીકે સામે આવ્યું હતું.