યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા અને પરમાધ્યક્ષ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજે સોમવાર, તા. ૨૬ જુલાઈએ રાત્રે ૧૧ કલાકે આ પૃથ્વીની તેમની યાત્રા સંકેલી લઈને અક્ષરધામગમન કર્યું છે. આ સમાચાર પ્રસરતાં સમગ્ર સત્સંગ સમાજમાં ભારે શોકની લાગણી પ્રસરી છે. તેઓ BAPS સંપ્રદાયના સંત પ્રમુખ સ્વામી મહારાજના ગુરૂભાઈ હતા. ગત ફેબ્રુઆરી માસથી પ.પૂ. સ્વામીજીને કિડનીની બીમારી હતી. જે તેઓશ્રીની વિદાયનું નિમિત્ત બની હતી.
ગત તા. ૨૫ જુલાઈએ ડાયાલીસીસ બાદ તબિયત વધારે નરમ થઈ હતી. તે પછી ૨૬ જુલાઈએ સાંજે વડોદરા સ્થિત શ્રી ભાઇલાલ અમીન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ છેલ્લી ક્ષણ સુધી સારવાર કરી હતી પરંતુ પ.પૂ. સ્વામીજીએ રાત્રે ૧૧ કલાકે નશ્વર દેહનો ત્યાગ કરી દીધો હતો. હજુ બે દિવસ પહેલાં જ ગુરુપૂર્ણિમાએ સંતોએ પૂજનનો લાભ લીધો હતો. ત્યારે તેઓશ્રીનું સ્વાસ્થ્ય નોંધપાત્ર રીતે સારૂં હતું. એ પૂજનવિધીનાં ઓનલાઈન દર્શન કરીને સમગ્રસત્સંગ સમાજમાં આનંદ વ્યાપ્યો હતો. પરંતુ ગત રાત્રે પ.પૂ. સ્વામીજીએ નશ્વરદેહનો ત્યાગ કરી દેતાં ભક્ત સમુદાય વજ્રઘાત થયો છે.
હરિધામ સોખડાથી કોઠારી સ્વામી પ્રેમસ્વરૂપદાસજીએ જણાવ્યું છે કે, પ.પૂ. સ્વામીજીનાં દિવ્ય વિગ્રહની અંતિમક્રિયા હરિધામ સોખડા ખાતે તા. ૧ ઓગસ્ટે, રવિવારે બપોરે ૨.૩૦ કલાકે કરવામાં આવશે. તેઓશ્રીનાં દિવ્ય વિગ્રહનાં અંતિમદર્શન ભક્તો પાંચ દિવસ દરમિયાન કરી શકે તેવી વ્યવસ્થા સાંપ્રત પરિસ્થિતિને અનુરૂપ ગોઠવવામાં આવી છે. પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજી મહારાજના દિવ્ય વિગ્રહને વિશેષ કક્ષમાં રાખવામાં આવેલ છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજ આત્મીય યુનિવર્સિટીના પ્રણેતા હરિપ્રસાદ સ્વામીના દેહ વિલય અને પરમધામ ગમન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે.
પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનું પ્રાગટ્ય ૨૩ મે ૧૯૩૪ના રોજ વડોદરા જીલ્લાના આસોજ ખાતે થયું હતું. ગોપાળદાસ પટેલ અને કાશીબાના તેઓ પુત્ર હતા. તેમનું પૂર્વાશ્રમનું નામ પ્રભુદાસભાઈ હતું. ઇ.સ. ૧૯૫૫થી ૧૯૬૫ એમ દસ વર્ષ સુધી બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના સેક્રેટરી તરીકે સેવા આપી હતી. પાંચ બહેનોના એક જ ભાઈ એવા પ્રભુદાસભાઈને ગુરૂહરિ યોગીજી મહારાજે ઈ.સ. ૧૯૬૫ની એટલે કે સંવત ૨૦૨૧ની વિજયા દસમી (દશેરા)ના મંગલદિને પાર્ષદી અને શરદપૂનમે ભાગવતી દીક્ષા આપીને ‘હરિપ્રસાદ સ્વામી’ નામ આપ્યું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ભગવાન શ્રી સ્વામિનારાયણે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને યજ્ઞ કરીને દીક્ષા આપેલી તેમ યોગીજી મહારાજે ખાસ યજ્ઞ કરીને હરિપ્રસાદ સ્વામીજીને દીક્ષા આપેલી. આ દીક્ષાવિધિ સમયે યોગીજી મહારાજે આશીર્વચન આપતાં કહેલું…. “સાંભળો… ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષરબ્રહ્મનો અવતાર…. સાંભળજો બધા… તે પચ્ચીસ વરસ ઘરે રહ્યા ગુણાતીતાનંદ સ્વામી.. પછી ડભાણમાં મહારાજે મોટો યજ્ઞ કરીને હજારો બ્રાહ્મણો જમાડીને દીક્ષા આપી હતી. તેવો સમૈયો આ પ્રભુદાસભાઈને દીક્ષા આપી. તેવી સત્સંગની આ શુભ વાત…….આખો હોલ સત્સંગ ઉપાડી લે…તથા એકાવન યુવકો (સાધુ) નવા કરે. એ અમારો બીજો આશીર્વાદ છે. …….પ્રભુદાસભાઈ થયા (સાધુ) તો હવે તે હજારો એકાંતિક કરશે. એ અમારો દેરીનો આશીર્વાદ કે તે સુખી થાય અને બીજા એવા સુખી કરશે….”
બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અક્ષરપુરૂષોત્તમ યુગલ ઉપાસનાના પ્રવર્તન માટે સોખડામાં ભવ્ય શિખરબદ્ધ મંદિર થાય તેવો સંકલ્પ કરેલો. જમીન પસંદ થઇ ગઈ. પણ, કોઈ કારણસર તે વખતે તે શક્ય ના બન્યું… વર્ષો પછી સોખડાના કેટલાક ભક્તો ગઢડા બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના દર્શન કરવા ગયેલા. ઘેલાના પટમાં બેઠા હતા. ત્યારે ગઢડાના ભવ્ય મંદિર સામે જોતાં જોતાં ભક્તોએ યોગીજી મહારાજને પ્રાર્થના કરી… ‘બાપા, આવું ભવ્ય મંદિર સોખડામાં થાય એવી કૃપા કરોને !’
હરિપ્રસાદ સ્વામીજી તે વખતે પ્રભુદાસભાઈ તરીકે યોગીજી મહારાજની સેવામાં હતા. બાપાએ તેમને નજીક બોલાવ્યા ને ખોળામાં માથું લઇ આશીર્વાદ આપ્યા, ‘જાવ, સોખડામાં ત્રણ શિખરનું ભવ્ય મંદિર થશે !’આમ, પ્રાર્થના કરી સોખડાના ભક્તોએ અને બાપાએ આશીર્વાદ આપ્યા પ્રભુદાસભાઈને..! સોખડાનું ભવ્ય ‘હરિધામ’ મંદિર શાસ્ત્રીજી મહારાજના સંકલ્પ અને યોગીજી મહારાજના આશીર્વાદને તાદ્રશ્ય કરે છે.
બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની અનુવૃત્તિ પ્રમાણે બહેનોને પણ સંતદીક્ષાનો અધિકાર આપવાના મુદ્દે ગુરૂહરિ યોગીજી મહારાજના આશીર્વાદ સાથે ઈ.સ. ૧૯૬૬માં સંજોગોવસાત અક્ષરપુરૂષોત્તમ સંસ્થાથી અલગ થવાનું થયું. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના સ્વધામગમન બાદ ઈ.સ. ૧૯૭૧માં હરિપ્રસાદ સ્વામીજીએ પોતાનાં યુગકાર્યનો પ્રારંભ કર્યો. તે પ્રમાણે ઇ.સ. ૨૦૨૧નું વર્ષ તેઓશ્રીનાં યુગકાર્યની સુવર્ણજયંતિનું વર્ષ છે.
ગુરૂહરિ યોગીજી મહારાજની દિવ્ય સ્મૃતિમાં ‘યોગી ડિવાઈન સોસાયટી’ની સ્થાપના કરી અને ખરા અર્થમાં યોગીજીના દિવ્ય સમાજનું સર્જન કર્યું.યોગીજી મહારાજનું સ્વપ્ન હતું – રાજા અંબરીશ જેવી સમજણ ધરાવતા ગૃહસ્થોનો સમાજ તૈયાર કરવો. તે માટે પસંદગીના મુક્તોને ‘અંબરીશ દીક્ષા’ આપવી. એમના સમયમાં સંજોગોવસાત એ શક્ય ન બન્યું. પરંતુ હરિપ્રસાદ સ્વામીજીએ ગુરૂનું સ્વપ્ન સાકાર કરીને અંબરીશ મુક્તોનો સમાજ તૈયાર કર્યો છે.
સંપ્રદાયની પારંપરિક મર્યાદાઓને યથાવત રાખીને એટલે કે બહેનોનાં દર્શન-સ્પર્શ કર્યા વગર બહેનોને બહેનો દ્વારા જ સંતદીક્ષાની પરંપરા શરૂ થઇ. હરિપ્રસાદ સ્વામીજીએ કરેલી આ ક્રાંતિને કારણે સત્સંગી પરિવારોની મહિલાઓ સંતબહેનો પાસેથી માર્ગદર્શન મેળવી શકતી હોવાથી હજારો પરિવારોમાં ભક્તિ અને આત્મીયતાના સંસ્કારો સિંચાયા છે અને પરિવારો તુટતા બચ્યા છે.
શિક્ષણ અને સંસ્કારનો સમન્વય સાધીને જીવંત માનવમંદિરોનાં નિર્માણમાં માનતા હરિપ્રસાદ સ્વામીજી મહારાજે વિદ્યાધામોનાં સર્જન કરાવ્યાં છે. જેમાં આત્મીય યુનિવર્સિટી-રાજકોટ, આત્મીય વિદ્યા મંદિર – કોળીભરથાણા (સુરત), સર્વનમન ગર્લ્સ એકેડેમી – ઝાડેશ્વર(ભરુચ), શ્રી વિજય વિદ્યા મંદિર – અવિધા, આત્મીય વિદ્યાનિકેતન – અમદાવાદ, આત્મીય વિદ્યાધામ- વડોદરા અને વલ્લભવિદ્યાનગરનો સમાવેશ થાય છે.
કોઠારી પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીએ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં જીવન અને કાર્ય વિષે વાત કરતાં જણાવ્યું છે કે, યોગીજી મહારાજે યુવકોની સભા દ્વારા ચૈતન્ય મંદિરોનાં નિર્માણનો પ્રારંભ કર્યો ત્યારે હરિપ્રસાદ સ્વામીજી એટલે કે પૂર્વાશ્રમના પ્રભુદાસભાઈ પાયાના પથ્થર બનેલા. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની ઉક્તિ ‘યુવકો મારૂં હ્રદય છે!’ને હરિપ્રસાદ સ્વામીજીએ ‘યુવકો મારૂં સર્વસ્વ છે!’ તરીકે સ્વીકારી હતી અને પ્રભુમાન્ય જીવન જીવતા સંસ્કારી યુવાનોથી સમાજ સમૃધ્ધ બને તે બાબતને પોતાનું યુગકાર્ય બનાવી લીધું હતું.
હરિપ્રસાદ સ્વામીજીએ જીવનની પ્રત્યેક પળને ગુરૂહરિ યોગીજી મહારાજ પ્રત્યેની ભક્તિનો અર્ઘ્ય અર્પણ કરવામાં જ વિતાવી હતી એટલે ભૂખ-તરસ, ટાઢ-તડકો, રાત-દિવસ, ઠંડી-ગરમી એવાં કોઈપણ પરિબળો તેઓશ્રીની નજરમાં આવ્યાં જ નથી.
હરિપ્રસાદ સ્વામીજીના પ્રેમે લાખો લોકોની જીવનનૈયાને નવો વળાંક આપ્યો છે. સંસ્કૃતિ અને સંસ્કારના ક્ષેત્રે નૂતન ક્રાંતિ સર્જી છે. સ્વામીજીએ સંપર્કમાં આવેલા સહુના જીવનમાં વ્યક્તિગત રસ લીધો છે. સમસ્યા આર્થિક હોય, સામાજીક હોય, માનસિક હોય કે આધ્યાત્મિક; સામેની વ્યક્તિ નાની હોય, મોટી હોય, ગરીબ હોય કે અમીર; સ્વામીજીએ કોઈ ભેદભાવ રાખ્યા વગર એ સમસ્યાઓના નિરાકરણ માટે રસ લીધો.એ જ કારણે સૌનેય ‘સ્વામીજી મારા છે’ એવી અનુભૂતિ થતી.
પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી તમામ ધર્મ, સંપ્રદાય અને પરંપરાઓનો આદર આપતા. વિવિધ પરંપરાના સંતો-મહાનુભાવોને તેઓશ્રીની સાથે આગવી આત્મીયતા હતી. બ્રહ્મલીન સદગુરૂ સ્વામીશ્રી સત્યમિત્રાનંદજી મહારાજ તો તેઓશ્રીને ‘આત્મીય સમ્રાટ’ કહીને બિરદાવતા.
હરિપ્રસાદ સ્વામીજી કહેતા મનને બચાવવા પાંચ ધર્મપ્રેરિત ઉપાયો છે – ભક્તિ, સત્સંગ, સદવિચાર, સદવર્તન અને શ્રધ્ધા. પૂજાનાં વિધી-વિધાન ભલે ગમે તે હોય, અનુસંધાન ભગવાન સાથે હોય એ ભક્તિ! ‘હું જે ક્રિયા કરૂં છું તે પ્રભુમાન્ય છે?’ આવો વિચાર આવે એ પ્રભુ સાથેનું અનુસંધાન! આવું અનુસંધાન સધાય એટલે નુકસાન કરે તેવી બાબતોથી પ્રભુ જ આપણને દુર રાખે. આવી ભક્તિ આપણને સત્સંગની દિશા બતાવે. સત્પુરૂષ સાથે મૈત્રી કરાવે. આ મૈત્રી સદવિચાર પ્રગટાવે. આ સદવિચારની અભિવ્યક્તિ એટલે સદવર્તન!
દેશમાં સર્જાતી કુદરતી અને માનવ સર્જિત આફતો વખતે હરિપ્રસાદ સ્વામીજીની પ્રેરણાથી યોગી ડિવાઈન સોસાયટી સાથે સંલગ્ન સંતો-ભક્તો અવિરત સેવાકાર્યો દ્વારા આત્મીયતાનો અહેસાસ કરાવતા હોય છે.