ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદ પડ્યો છે. શનિવાર અને રવિવારે રાજ્યના 197 તાલુકામાં 7 ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. અમદાવાદ શહેરમાં પણ સતત બીજા દિવસે વરસાદી માહોલ હતો. હવામાન વિભાગે આગામી 30 જુલાઈ સુધી રાજ્યભરમાં વરસાદની આગાહી કરેલી છે.
રવિવારે સવારથી સાંજ સુધીમાં જ રાજ્યના 197 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. છોટા ઉદેપુર અને રાજકોટના લોધિકામાં 12 કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો હતા. દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાના કપરાડામાં પાંચ ઇંચ વરસાદ પડ્યો હતા.
જામનગર જિલ્લામાં પણ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો હતો. છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. જ્યારે નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. છોટાઉદેપુર પંથકમાં ભારે વરસાદથી ઓરસંગ, હેરણ સહિત તમામ નદીઓમાં પૂર આવ્યા હતા અને સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા હતા. છોટાઉદેપુર 7 ઇંચ, કવાંટમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે બોડેલીમાં 4.5 ઇંચ, પાવીજેતપુરમાં 3.5 ઇંચ, નવસાડી અને સંખેડામાં 1.5-1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો.