ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)એ ગુરુવારે જણાવ્યું હતું કે તે તેની ડિજિટલ કરન્સી માટેની વ્યુહરચનાના તબક્કાવાર અમલ માટે કામગીરી કરી રહી છે અને ક્યાં ઉપયોગ કરવો તેની શક્યતા ચકાસી રહી છે. ભારત માટે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (CBDC)ની જોરદાર તરફેણ કરતાં આરબીઆઇએ જણાવ્યું છે તે તેનાથી સરકારના કરન્સી ખર્ચમાં ઘટાડો થશે અને વર્ચ્યુઅલ કરન્સીના જોખમનો સામનો કરવામાં મદદ મળશે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર ટી રવિશંકરે કહ્યું હતું કે આરબીઆઈ તબક્કાવાર રીતે પોતાનું ડિજિટલ ચલણ અમલમાં મૂકવાની વ્યૂહરચના પર કામ કરી રહી છે અને તેને પાયલટ પ્રોજેક્ટ્સ તરીકે જથ્થાબંધ અને છૂટક ક્ષેત્રોમાં રજૂ કરવાની પ્રક્રિયામાં છે.
તેમણે કહ્યું કે, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC)ને લઈને સમજી વિચારીને ઘણી પ્રગતિ કરી છે અને વિશ્વની ઘણી સેન્ટ્રલ બેંકો આ સંદર્ભમાં કામ કરી રહી છે. શંકરે કહ્યું કે સીબીડીસી હેઠળ ઉપભોક્તાઓને તે કેટલીક મુદ્રામાં જોવા મળેલી અસ્થિરતાના ભયાવહ સ્તરથી બચાવવાની આવશ્યક્તા છે, જેને કોઈ સરકારી ગેરંટી પ્રાપ્ત નથી. તેમણે કહ્યું કે, વિવિધ દેશોની કેન્દ્રીય બેન્કો સીબીડીસીની સંભાવનાને શોધી રહી છે અને કેટલાક દેશોએ આવી ધારણા રજૂ કરી છે.
ઓનલાઇન કાર્યક્રમ દરમિયાન ચર્ચામાં ભાગ લેતા, તેમણે કહ્યું કે કદાચ ડિજિટલ ચલણ વિશેનો વિચાર અમલીકરણની નજીક છે. ડેપ્યુટી ગવર્નરે કહ્યું કે, અન્ય સેન્ટ્રલ બેંકોની જેમ આરબીઆઈ પણ લાંબા સમયથી ડિજિટલ ચલણના વિવિધ પાસાઓની તપાસ કરી રહી છે. નોંધનીય છે કે નાણાં મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલી ઉચ્ચ-સ્તરની આંતર-મંત્રાલય સમિતિએ નીતિ અને કાનૂની માળખાની તપાસ કરી છે અને દેશમાં સીબીડીસીને ડિજિટલ ચલણ તરીકે રજૂ કરવાની ભલામણ કરી છે.
ડેપ્યુટી ગવર્નરે કહ્યું કે આને કાયદાકીય પરિવર્તનની જરૂર પડશે, કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ હેઠળ હાલની જોગવાઈઓ ચલણને ભૌતિકરૂપને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. તેમણે કહ્યુ કે, આના પરિણામ સ્વરૂપ સિક્કા અધિનિયમ, ફેમા અને આઈટી એક્ટમાં પણ સુધારાની જરૂરિયાત ઉભી થશે.