પોર્ન ફિલ્મ કેસમાં ઇન્ડિયન બ્રિટિશ બિઝનેસમેન અને બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાના પોલિસ રિમાન્ડ 27 જુલાઇ સુધી લંબાવવામાં આવ્યા હતો. રાજ કુન્દ્રાની 19 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ 23મી જુલાઈ સુધી તેને પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો.
શુક્રવારે 45 વર્ષીય રાજ કુંદ્રાના રિમાન્ડ પૂરા થતાં તેને મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે વધુ 7 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જો કે, કોર્ટે વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરતાં રાજને 27મી જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. રાજ કુંદ્રાની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે. મુંબઈ પોલીસે કોર્ટમાં કહ્યું હતું કે, રાજ કુંદ્રા પોર્નોગ્રાફીમાંથી થતી કમાણીની રકમ ઓનલાઈન સટ્ટામાં વાપરતો હોવાની શંકા છે, માટે જ તેના બેંક અકાઉન્ટની તપાસ જરૂરી છે.
મહત્વનું છે કે, રાજ કુંદ્રાની સાથે તેની કંપનીના આઈટી હેડ રાયન થાર્પને પણ 27 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. અશ્લીલ ફિલ્મો બનાવાના કેસમાં મુંબઈ પોલીસ કમિશનર હેમંત નંગરાળે રાજ કુંદ્રાને મુખ્ય ષડયંત્રકાર ગણાવ્યો હતો. આ તરફ રાજ કુંદ્રાને ભાયખલ્લા જેલથી કોર્ટમાં લઈ જવાઈ રહ્યો હતો ત્યારે ત્યાં હાજર મીડિયા સામે તેણે હાથ જોડ્યા હતા. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.