મિનિસ્ટર્સે ભારપૂર્વક જણાવ્યું છે કે બિઝનેસીસ અને સાંસદો દ્વારા વધતા વિક્ષેપને પહોંચી વળવા દબાણ વધારવામાં આવ્યું હોવા છતાય સેલ્ફ આઇસોલેશનના નિયમો 16 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. ટેસ્ટ અને ટ્રેસ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ એપ્લિકેશન દ્વારા ચેપગ્રસ્ત લોકોના સંપર્કમાં આવનાર લોકોને સેલ્ફ આઇસોલેટ થવાની ફરજ પાડવામાં આવતી હોવાથી કર્મચારીઓની અછત સર્જાઇ રહી છે.
વેક્સીન મિનિસ્ટર નધિમ ઝાહાવીએ જણાવ્યું હતું કે, ‘’કોરોનાવાઈરસ ધરાવતા કોઈ પણના સંપર્કમાં રહેલા લોકો માટે કરવામાં આવતા સેલ્ફ આઇસોલેશનની જરૂરિયાત “એક મહત્વપૂર્ણ સાવચેતીનું પગલુ” છે અને પૂરેપૂરૂ રસીકરણ ન થઇ જાય ત્યાં સુધી તેને ચાલુ રાખવાની જરૂર છે. વરિષ્ઠ વૈજ્ઞાનિક સલાહકારોએ આગામી સપ્તાહમાં “અસાધારણ ઉચ્ચ” કેસોની ચેતવણી આપી હોવા છતાય પ્રતિબંધો ઉઠાવી લેવા યોગ્ય છે.
સુપરમાર્કેટ્સ ફૂડ શોર્ટેજની અને ટ્રેન ઓપરેટર્સ ટ્રેન સેવાઓ રદ કરવાની ચેતવણી આપે છે. ગયા અઠવાડિયે પબ જાયન્ટ ગ્રીન કિંગને સ્ટાફના અભાવે 33 પબને બંધ કરવાની ફરજ પડી હતી. સુપરમાર્કેટ જૂથ આઇસલેન્ડના કુલ કર્મચારીઓમાંથી ચાર ટકા એટલે કે 1,000થી વધુ કર્મચારીઓ કોરોનાવાયરસને કારણે ગેરહાજર છે.