ફ્રાંસ અને ઇટાલી સહિતના મનપસંદ હોલીડે ડેસ્ટીનેશન્સ હજી પણ ભારતમાં નિર્મિત એસ્ટ્રાઝેનેકા વેક્સિનને માન્યતા આપવાનો ઇનકાર કરતા હોવાથી ભારતમાં બનેલી એસ્ટ્રાઝેનેકા રસીનો ડોઝ યુકેમાં લેનારા મુસાફરોને યુરોપમાં જવાની મંજૂરી માટે લગભગ એક મહિના સુધી રાહ જોવી પડશે.
ભારતીય બનાવટની એસ્ટ્રાઝેનેકા રસી લેનાર બ્રિટનના આશરે પાંચ મિલિયન લોકોને યુરોપના લગભગ અડધા દેશોમાં મુસાફરી કરવાની છૂટ મળી છે.
રસીના આ ડોઝ બનાવનાર સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાએ કહ્યું છે કે આ મામલાનો હલ આવતા અઠવાડિયા લાગે તેવી સંભાવના છે. રજાઓ માટે મૉલ્ટા જવા વિમાનમાં બેઠેલા કેટલાક બ્રિટીશ ટુરીસ્ટની રસીના બેચનો નંબર ઇયુને માન્ય ન હોવાથી તેમને વિમાનમાં ચઢતા અટકાવવામાં આવ્યા હતા. જો કે પછીથી તેમણે નિર્ણય બદલી કાઢ્યો હતો.
હકીકત એ છે કે ભારતમાં બનાવાયેલી રસી યુકેમાં બનાવાયેલી એસ્ટ્રાઝેનેકા રસી જેવી જ છે – જેને યુરોપિયન મેડિસીન રેગ્યુલેટર દ્વારા માન્યતા આપવામાં આવી છે.
બુધવારે, ટ્રાન્સપોર્ટ સેક્રેટરી, ગ્રાન્ટ શેપ્સે જણાવ્યું હતું કે ‘’સ્પેન, જર્મની અને ગ્રીસ સહિતના અન્ય 15 દેશો સાથે મૉલ્ટા પણ રસીના માન્યતા આપવા જોડાયું હતું. જો કે, ફ્રાંસ, ઇટાલી અને ક્રોએશિયા સહિતના મુખ્ય હોલીડે ડેસ્ટીનેશન હજી પણ માન્યતા આપવાનો ઇન્કાર કરે છે. યુકેને મેડિસીન્સ અને હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી, ખૂબ સ્પષ્ટ છે કે એસ્ટ્રાઝેનેકા રસી યુકેમાં બનાવાય કે ભારતમાં, તેનાથી કોઇ જ ફરક પડતો નથી. તે એકદમ સમાન ઉત્પાદન છે અને વાયરસ સામે યુકેમાં બનાવાયેલી રસી જેવુ અને તે જ સ્તરનું રક્ષણ પૂરું પાડે છે.’’
હેલ્થ એન્ડ સોશ્યલ કેર વિભાગે અગાઉ કહ્યું હતું કે ભારતીય બનાવટની રસી મેળવનારા કોઈપણ બ્રિટીશ નાગરીકને નકારાત્મક અસર થઇ નથી.