રાફેલ યુદ્ધ વિમાનોની સાતમી ખેપમાં ત્રણ વધારે વિમાન ફ્રાંસથી ઉડાન ભરીને લગભગ આઠ હજાર કિલોમીટરનું અંતર કાપીને ગુરુવારે ભારત પહોંચ્યા હતા. આ વિમાનોને ભારતીય હવાઇદળની રાફેલ વિમાનોની બીજી સ્કવોડ્રનમાં સામેલ કરાયા છે. ફ્રાંસથી આવેલા આ વિમાનોને હવાઇ માર્ગમાં સંયુક્ત આરબ અમીરાતમાં ઇંધણ ભરાવ્યું હતું.
ભારતીય હવાઇદળે ટ્વિટ કર્યુ હતું કે કે ફ્રાંસના ઇસ્ત્રેસ એયર બેઝથી ઉડીને ક્યાંય રોકાયા વગર ત્રણ રાફેલ વિમાનો ભારત પહોંચ્યા છે. હવાઇ માર્ગમાં વચ્ચે મદદ કરવા માટે ભારતીય હવાઇદળ યુએઇના હવાઇદળનો આભાર માને છે.
આ ખેપ આવ્યા બાદ હવે ભારત પાસે 24 રાફેલ વિમાન થયા છે. રાફેલ જેટની નવી સ્કવોડ્રન પશ્ચિમ બંગાળના હાસીમારા એર બેઝ પર તહેનાત થશે. પહેલી રાફેલ સ્કવોડન અંબાલા હવાઇદળના સ્ટેશન પર સ્થિત છે. એક સ્કવોડનમાં 18 વિમાન હોય છે. ભારતે 36 રાફેલ વિમાન ખરીદવા માટે 2016માં ફ્રાંસ સાથે કરાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પાંચ રાફેલ વિમાનોનો પહેલો જથ્થો 29 જુલાઇ 2020ના રોજ ભારત પહોંચ્યો હતો.