ભારતની અગ્રણી આઇટી કંપની વિપ્રો લિમિટેડે મંગળવારે જણાવ્યું હતું કે કંપનીએ સાયબરથ્રેટ ઇન્ટેલિજન્સ સર્વિસ પ્રોવાઇડર કંપની ઇનસાઇટ્સમાં પોતાનો સંપૂર્ણ હિસ્સો 19.1 મિલિયન ડોલરમાં વેચ્યો છે. ભારતીય ચલણમાં ગણતરી કરીયે તો આ રકમ રૂ.143.3 કરોડ છે.
વિપ્રોએ સ્ટોક એક્સચેન્જને એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યુ કે હતું કે વર્ષ 2016-19ના સમયગાળા દરમિયાન ઇનસાઇટ સાઇબર ઇન્ટેલિજન્સ લિમિટેડમાં 4.21 મિલિયન ડોલરના મૂડીરોકાણ સાથે 20 ટકાથી ઓછી હિસ્સેદારી હસ્તગત કરી હતી. આ મૂડીરોકાણ વિપ્રોની સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ ફર્મ વિપ્રો વેન્ચર્સ મારફતે કર્યુ હતુ.
ફાઇલિંગમાં જણાવ્યું છે કે, રેપિડ-7 ઇંક દ્વારા ઇનસાઇટ્સના તાજેતરમાં જ જાહેરાત કરેલ અધિગ્રહણના ભાગરૂપે વિપ્રોએ ઇનસાઇટ્સમાં પોતાની સંપૂર્ણ હિસ્સેદારી 1.91 કરોડ ડોલરમાં વેચી દીધી છે. આ ડીલના પરિણામે હવે ઇનસાઇટ્સમાં વિપ્રોની હવે કોઇ હિસ્સેદારી રહી નથી. ઇનસાઇટ્સ કંપની એમ્સ્ટર્ડમ, બોસ્ટન, તેલ અવીવ અને ટોક્યોમાં ઓફિસ ધરાવે છે. તાજેતરમાં જ સિક્યોરિટી એનાલિટિક્સ અને ઓટોમેશન ફર્મ રેપિડ7 ઇંક એ ઇનસાઇટ સાયબર ઇન્ટેલિજન્સ લિમિટેડમાં હિસ્સેદારી હસ્તગત કરવાની ઘોષણા કરી છે.