વોશિંગ્ટનમાં ગયા વિકેન્ડ દરમિયાન યોજાએલી મિસ ઈન્ડિયા યુએસએ સૌંદર્ય સ્પર્ધામાં મિશિગનની રહેવાસી, 25 વર્ષની વૈદેહી ડોંગરેએ મિસ ઈન્ડિયા યુએસએનો તાજ હાંસલ કર્યો હતો. જ્યોર્જીઆની અર્શી લાલાણી ફર્સ્ટ રનર-અપ તથા નોર્થ કેરોલાઈનાની મીરા કસારી સેકન્ડ રનર-અપ રહી હતી.
યુનિવર્સિટી ઓફ મિશિગનની ઈન્ટરનેશનલ સ્ટડીઝની ગ્રેજ્યુએટ, વૈદેહી એક મોટી કંપનીમાં બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તરીકે કાર્યરત છે. ભારતના ક્લાસિકલ નૃત્ય કથકનું સુંદર, અસ્ખલિત અને ક્ષતિરહિત પર્ફોર્મન્સ આપ્યાના પગલે તેને ‘મિસ ટેલેન્ટેડ’નો એવોર્ડ પણ એનાયત કરાયો હતો.
તાજ હાંસલ કર્યા પછી વૈદેહીએ કહ્યું હતું કે, હું મારા સમુદાય ઉપર સકારાત્મક અને દુરોગામી અસર ઉભી કરવા ઈચ્છું છું અને મહિલાઓના નાણાંકિય સ્વાતંત્ર્ય તથા સાક્ષરતા તરફ વિશેષ ધ્યાન આપવા માંગું છું.
ફર્સ્ટ રનર-અપ 20 વર્ષની અર્શી લાલાણી બ્રેઈન ટ્યુમરથી પિડાય છે, છતાં તેણે પોતાના પર્ફોર્મન્સથી અને આત્મવિશ્વાસથી સૌને પ્રભાવિત કર્યા હતા.
મિસ વર્લ્ડ 1997 – ડાયેના હેડન આ સ્પર્ધાની ચીફ જજ તથા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી હતી.
અમેરિકાના જુદા જુદા 30 રાજ્યોમાંથી કુલ 61 યુવતીઓએ ત્રણ અલગ અલગ સ્પર્ધાઓમાં – મિસ ઈન્ડિયા યુએસએ, મિસિસ ઈન્ડિયા યુએસએ તથા મિસ ટીન ઈન્ડિયા યુએસએ – ભાગ લીધો હતો. ત્રણે વિભાગની વિજેતાઓને વિશ્વવ્યાપી સ્પર્ધાઓમાં ભાગ લેવા મુંબઈ જવા-આવવાની કોમ્પ્લીમેન્ટરી ટિકિટ મળશે. મિસ ઈન્ડિયા યુએસએ ભારત બહાર સૌથી લાંબા સમયથી યોજાતી રહેલી સ્પર્ધા છે.