બિલિયનોર અનિલ અગ્રવાલની માલિકીના વેદાંત ગ્રૂપ દ્વારા તાપી જિલ્લામાં બની રહેલા ઝીન્ક સ્મેલ્ટર પ્લાન્ટ સામે ઝઘડીયાના ધારાસભ્ય છોટુ વસાવાએ હાઇ કોર્ટમાં જાહેર રિટ કરી છે. રિટમાં રજૂઆત કરવામાં આવી છે કે સ્થાનિગ લોકો અને ગ્રામપંચાયતોનો પક્ષ સાંભળ્યા વગર વહીવટીતંત્ર દ્વારા પ્લાન્ટને મંજૂરી આપવાની કાર્યવાહી હાથ ધરાઇ રહી છે. જેથી પ્લાન્ટની કામગીરી પર કોર્ટે સ્ટે ફરમાવવો જોઇએ.તાજેતરમાં આ પ્લાન્ટ અંગેની પર્યાવરણી જાહેર સુનાવણી દરમિયાન હિંસા પણ થઈ હતી.
છોટુ વસાવાએ રજૂઆત કરી છે કે વેદાંત ગૃપની હિન્દુસ્તાન ઝિન્ક દ્વારા તાપીના દોસવાડામાં ઝીન્ક સ્મેલ્ટર પ્લાન્ટ બનવાનો છે. આ પ્લાન્ટ શરુ કરવા માટે પેસા એક્ટ (પંચાયત એક્સટેન્શન ટુ શિડયુલ્ડ એરિયાઝ)ની જોગવાઇઓ અનુસરવામાં આવી ન હોવાથી સ્થાનિકો દ્વારા તંત્ર સમક્ષ પત્રો અને ઇ-મેઇલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને ઘણાં લોકો આ મુદ્દે સ્થાનિક અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે પણ અધિકારીઓ તેમને મળી રહ્યા નથી.
થોડાં દિવસો પહેલાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને તાપી કલેક્ટર દ્વારા પ્લાન્ટ મુદ્દે જાહેર સુનાવણી યોજાઇ હતી તેમાં પણ અમુક વ્યક્તિઓને જ હાજર રહેવા દેવામાં આવ્યા હતા. સરકાર પેસા એક્ટ મુજબ પ્લાન્ટની કામગીરી આગળ વધારી રહી નથી તેથી આ મુદ્દે કોઇ સ્થાપિત હિતો કામ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.