વિશ્વના સૌથી ધનિક જેફ બેઝોસ મંગળવારે તેમની સ્પેસ કંપની બ્લુ ઓરિજિનના રોકેટ ન્યૂ શેફર્ડમાં બેસીને બીજા ત્રણ યાત્રીઓ સાથે અવકાશમાં જઈને પૃથ્વી પર સુરક્ષિત પરત આવ્યા હતા. ન્યૂ શેફર્ડ રોકેટે અમેરિકાના વેસ્ટ ટેક્સાસના રણમાં ઉડાન ભરી હતી. 57 વર્ષીય બેઝોસ આશરે 10 મિનિટ અને 20 સેકન્ડ સુધી અવકાશમાં રહ્યા હતા. બ્રિટનના બિઝનેસમેન રિચાર્ડ બ્રેન્સનની સ્પેસ યાત્રાના આશરે નવ દિવસ બાદ બેઝોસે પણ અવકાશયાત્રાની યોજનામાં સફળ થયા હતા. આની સાથે વિશ્વમાં સ્પેસ ટુરિઝમના નવા યુગનો પ્રારંભ થયો છે.
ચારેય અવકાશયાત્રીઓ ન્યૂ શેફર્ડ કેપ્સ્યુલમાં બેસી અંતરિક્ષ યાત્રાએ ગયા હતા. આ કેપ્સ્યુલ રોકેટ અવાજ કરતા ત્રણ ગણી વધુ ઝડપે અવકાશમાં ગયું હતું. આ પહેલા ટેકનિશિયન અને ઇજનેરો ચારેય અવકાશયાત્રીઓને બેઠકના નિયમો વિશે ફરીથી માહિતી આપી હતી.
ન્યૂ શેફર્ડ કેપ્સુલથી 82 વર્ષિય વેલી ફંક પણ જેફ બેજોસ તેમના ભાઈ માર્ક બેજોસ અને 18 વર્ષીય ઓલિવર ડેમેનની સાથે અંતરિક્ષની યાત્રાએ ગયા હતા. આ અંતરિક્ષમાં સૌથી વધુ ઉંમરના અને સૌથી ઓછી ઉંમરના અંતરિક્ષ યાત્રી સ્પેસ ટૂરિઝ્મ પર ગયા હતા. આ અંતરિક્ષ ઉડાનની પહેલી યાત્રા હતી, જેમાં સૌથી વધુ ઉંમરના અને સૌથી ઓછી ઉંમરના યાત્રી અવકાશમાં ગયા હોય.
બેજોસે અંતરિક્ષમાં જવા માટે 20 જુલાઇનો દિવસ પસંદ કર્યો હતો, કારણ કે નીલ આર્મસ્ટ્રોન્ગ અને બઝ એલ્ડ્રિન આજથી ઠીક 52 વર્ષ પહેલાં 1969માં ચંદ્ર પર પહોંચ્યા હતા.