યુવા અભિનેત્રી આલિયા ભટ્ટે હવે ફિલ્મ પ્રોડક્શન ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે. તેણે પોતાના પ્રોડકશન હાઉસની ફિલ્મ ડાર્લિંગ્સનું શૂટિંગ્સ પણ શરૂ કર્યું છે. આ ફિલ્મના નિર્માણમાં શાહરૂખ ખાનની રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટનો પણ સહયોગ છે. આ ફિલ્મ માતા-પુત્રીની વાર્તા પર આધારિત છે.
આ ફિલ્મમાં આલિયા સાથે શેફાલી શાહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. એટલે કે આલિયા અને શેફાલી શાહ માતા-પુત્રીનો રોલ કરશે. આલિયાએ સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરીને ફિલ્મના શૂટિંગની શરૂઆતની માહિતી આપી છે. તેણે લખ્યું છે કે, ડાર્લિંગ્સના શૂટિંગનો પ્રથમ દિવસ છે.
નિર્માત્રી તરીકે આ મારી પ્રથમ ફિલ્મ છે, પરંતુ હું હંમેશા પ્રથમ તો અભિનેત્રી જ રહીશ. કોઇ પણ નવી ફિલ્મ શરૂ કરવાના આગલી રાત્રિના મને બહુ ગભરામણ થતી હોય છે. મને આખી રાત સ્વપ્ન આવે છે કે, હું સેટ પર ડાયલોગ ભૂલી ગઇ છું…હું બેચેન થઇ જતી હોઉં છું. સેટ પર મોડી પડીશ એ ડરથી હું ૧૫ મિનીટ પહેલા પહોંચી જતી હોઉં છું. મને લાગે છે આ પ્રકારની ગભરામણ કદી મારામાંથી જશે નહીં, અને મારું માનવું છે કે જવી પણ ન જોઇએ. ગભરાઇ જવાનો મતલબ હું એવો કરું છું કે, ખરેખર તમને તમારા કામની ચિંતા છે. આ ફિલ્મનું શૂટિંગ મુંબઇમાં થઇ રહ્યું છે. આ એક ડાર્ક કોમેડી હશે. જેનું દિગ્દર્શન જસમીત કે રીન કરે છે.