સુકાની શિખર ધવનની અણનમ ૮૬ની કેપ્ટન્સ ઈનિંગ અને પ્રથમ વન-ડે રમી રહેલા ઈશાન કિશનની ૪૨ બોલમાં ૮ ચોગ્ગા અને બે છગ્ગા સાથેની ૫૯ રનની ઈનિંગને સહારે ભારતનો શ્રીલંકા સામેની પ્રથમ વન-ડેમાં વિજય થયો હતો. વિજયનો ૨૬૩નો ટાર્ગેટ ભારતે ફક્ત ૩૬.૪ ઓવરમાં, માત્ર ૩ વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો.
પહેલા બેટિંગ કરતાં શ્રીલંકાએ ચામિકા કરૃણારત્નેના ૪૩ અને શનાકાના ૩૯ તેમજ અસાલાન્કાના ૩૮ રન સાથે ૯ વિકેટે ૨૬૨ રન કર્યા હતા. દીપક ચાહર, કુલદીપ યાદવ અને ચહલે ૨-૨ વિકેટ ઝડપી હતી. પૃથ્વી શૉને ૪૩ રનની ઈનિંગ બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. ધવને અણનમ ૮૬ રન કરવા દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦,૦૦૦ રનનો માઈલસ્ટોન પાર કર્યો હતો. તેણે વન ડેમાં પણ ૬૦૦૦ રનનું સિમાચિહ્ન વટાવ્યું હતું. વન-ડેમાં ૬૦૬૩, ટેસ્ટમાં ૨,૩૧૫ અને ટી-૨૦માં ૧,૬૭૩ રન સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ ૧૦,૦૫૧ રન થયા હતા.