યોગ ગુરુ બાબા રામદેવની આગેવાની હેઠળના પતંજલિ ગ્રૂપનુ ટર્નઓવર 2020-21માં રૂ.30,000 કરોડને વટાવી ગયું હતું. પતંજલીએ એફએમસીજી સેક્ટરની કંપનીઓમાં હિન્દુસ્તાન યુનિલિવરને બાદ કરતાં તમામ કંપનીઓને પાછળ રાખી દીધી છે. ગ્રૂપના કુલ ટર્નઓવરમાં રુચિ સોયાનું નોંધપાત્ર યોગદાન રહ્યું હતું. પતંજલિ ગ્રૂપે તાજેતરમાં નાદારી પ્રક્રિયા મારફત આ કંપની ખરીદી હતી. પતંજલિ ગ્રૂપના કુલ ટર્નઓવરમાં રુચિ સોયાનો ફાળો રૂ16,000 કરોડનો રહ્યો હતો.
બાબા રામદેવે મંગળવારે જાહેરાત કરી હતી કે પતંજલિ ગ્રૂપનું ટર્નઓવર ગયા નાણાકીય વર્ષમાં રૂ.30,000 કરોડને પાર કરી ગયું હતું. આ ગ્રૂપ તેની મુખ્ય કંપની પતંજલિ આયુર્વેદના આઇપીઓ મારફત લિસ્ટિંગની પણ વિચારણા કરી રહ્યું છે.
ગયા વર્ષે પતંજલિ ગ્રૂપનું ટર્નઓવર રૂ.30,000 કરોડ રહ્યું હતું, જ્યારે રૂચી સોયાનું ટર્નઓવર રૂ.16,318 કરોડ રહ્યું હતું. 2019-20ના નાણાકીય વર્ષમાં આ ગ્રૂપે આશરે રૂ.25,000 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું હતું.
આગામી ત્રણ થી ચાર વર્ષમાં પતંજલિ ગ્રૂપે પોતાની તમામ કંપનીઓને દેવામુક્ત કરવાનુ લક્ષ્ય રાખ્યુ છે. રુચિ સોયા પર આશરે રૂ.3,000 કરોડનું દેવું છે. બાબા રામદેવે એવા સંકેત આપ્યા છે કે, પતંજલિ આયુર્વેદનુ શેર બજારમાં લિસ્ટિંગ કરવામાં આવશે અને તેનો આઈપીઓ આવશે. જોકે આ માટેની કોઈ સમસ મર્યાદા નક્કી કરવામાં આવી નથી.
પતંજલિ ગ્રૂપે જે આંકડા જાહેર કર્યા છે તે પ્રમાણે પતંજલિ આયુર્વેદનુ ટર્ન ઓવર રૂ.9,783 કરોડ અને પતંજલિ બિસ્કિટનુ ટર્ન ઓવર રૂ.650 કરોડ રહ્યું હતું,જ્યારે પતંજલિની અન્ય એક આયુર્વેદ બ્રાન્ચ દિવ્ય ફાર્મસીનુ ટર્ન ઓવર રૂ.350 કરોડ અને પતંજલિ ગ્રામોદ્યોગનુ ટર્નઓવર રૂ.396 કરોડ છે.