ગુજરાત કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકીએ મંગળવારે વર્તમાનપત્રમાં જાહેર નોટિસ આપીને તેમના પત્ની સાથે કોઇપણ નાણાકીય કે બીજા વ્યવહાર ન કરવા લોકોને તાકીદ કરી હતી. ભરત સિંહના વકીલ કિરણ તપોધને તેમના વતી વર્તમાનપત્રમાં આ નોટિસ આપી હતી.
નોટિસમાં ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે તેમની પત્ની રેશ્મા પટેલ છેલ્લા ચાર વર્ષથી તેમની સાથે રહેતા ન હોવાની અને પોતાના કહ્યામાં નથી, તેથી કોઈપણ વ્યક્તિએ તેમની પત્ની સાથે તેમના નામનો ઉપયોગ કરી કોઈપણ પ્રકારની નાણાકીય લેવડ-દેવડ કે અન્ય સંબંધો રાખવા નહીં. જો આમ થશે તો ભરતસિંહ જવાબદાર રહેશે નહીં.
ભરતસિંહે જણાવાયું છે કે ‘અમારી વચ્ચે લાંબા સમયથી મનમેળ ન હતો અને તેઓ મનસ્વી રીતે વર્તન કરતા હતાં. મારા ઘરે આવીને રહે તો પણ કોઈ વાતચીત કરતા ન હતા. શરૂઆતમાં મેં સમજાવટથી સમાધાન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમ ન થયું. એ પછી તેમના કુટુંબીઓની મધ્યસ્થી કરાવી છતાં પરિણામ ન આવ્યું. મને ખ્યાલ નથી કે તેઓ ભવિષ્યમાં શું કરવા માગે છે, મને કોઈ રીતે તકલીફ પહોંચે તેવું તેઓ કરવાના હોય એવો ભય છે.’ રેશ્મા પટેલ ભરતસિંહના બીજા પત્ની છે. પ્રથમ પત્નીને છૂટાછેડા આપીને સોલંકીએ રેશ્મા સાથે લગ્ન કર્યા હતા.