19 જુલાઇએ ઇંગ્લેન્ડમાં ફરજિયાત માસ્ક પહેરવાનું કે ચહેરો ઢાંકવાનું બંધ કરવાની સરકારે જાહેરાત કરી છે. પરંતુ કોવિડના પ્રસારને રોકવા માટે ગીચ સ્થળો, દુકાનોમાં, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરતી વખતે લોકોને માસ્ક પહેરાવા કે ચહેરો ઢાંકવા હજી પણ પ્રોત્સાહિત કરવામાં આવશે. પરંતુ તેનો ઇન્કાર કરનારને દંડ થશે નહીં કે કાનૂની આવશ્યકતા રહેશે નહિં. જો કે સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં આવું કરવાની કોઈ તારીખની ઘોષણા કરવામાં આવી નથી.
આ છૂટછાટનો અર્થ એ નથી કે કોવિડ દૂર થયો છે. વધુ ચેપી ડેલ્ટા વેરિયન્ટ દ્વારા યુકેમાં ફરીથી નવા ચેપના કેસ વધી રહ્યાં છે. વડા પ્રધાન બોરિસ જોન્સને જણાવ્યું છે કે ‘’હવે સમય આવી ગયો છે કે સૌએ વાઇરસ સાથે જીવવાનું શીખવાનું રહેશે.’’
હવે ઇંગ્લેન્ડમાં માસ્ક પહેરવાનું વ્યક્તિગત પસંદગી બનશે. પરંતુ ડૉક્ટર્સ યુનિયન, બ્રિટીશ મેડિકલ એસોસિએશન કહે છે કે ઇન્ડોર સ્થળોએ માસ્ક પહેરવાનું બંધ કરવાનો કોઈ અર્થ નથી. પબ્લિક ટ્રાન્સપોર્ટ અને દુકાનોના કામદારોનું પ્રતિનિધિત્વ કરતા યુનિયનોએ કહ્યું છે માસ્ક નહિં પહેરવાના કારણે તેમના કર્મચારીઓને ચેપનું જોખમ વધારે થશે.
ચીફ મેડિકલ ઑફિસર ક્રિસ વ્હ્ટીએ કહ્યું હતું કે તેઓ ભીડભાડની ઇન્ડોર જગ્યાઓ પર અથવા સામાન્ય સૌજન્ય તરીકે માસ્ક પહેરવાનું ચાલુ રાખશે.
રયાનએરે કહ્યું છે કે “અમારા મુસાફરો અને ક્રૂના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે અમારી ફ્લાઇટ્સ પર ફેસ માસ્ક ફરજિયાત રહેશે. નાક અને મોં ઉપર પહેરવામાં આવતા ફેસ માસ્ક કે આવરણને કારણે ઉધરસ, છીંક અને બોલવાથી કોરોનાવાઇરસના ડ્રોપલેટ્સનો ફેલાવો ઘટે છે. માસ્કનો મુખ્ય હેતુ તમારી જાતને બદલે અન્ય લોકોને કોવિડથી સુરક્ષિત રાખવાનો છે. જો દરેક લોકો માસ્ક પહેરશે તો બધા માટેનું જોખમ ઘટી જશે. માસ્ક લોકોમાં ફેલાયેલા વાઇરસને ઘટાડવામાં મદદ કરી શકે છે અને વાઇરસનો પ્રસાર ઓછો કરવો મહત્વપૂર્ણ છે કારણ કે ઘણા લોકોને હજી સુધી સંપૂર્ણ રસી મળી નથી.