બ્રિટનના અગ્રણી એશિયન ઉદ્યોગપતિઓ પૈકીના એક અને મિડલેન્ડના એશિયન સમુદાયની મોટી હસ્તી ગણાતા સામાજીક અગ્રણી ડાહ્યાભાઇ ઝીણાભાઇ પટેલનું ટૂંકી માંદગી બાદ 92 વર્ષની વયે સોમવાર તા. 5 જુલાઇના રોજ નિધન થયું હતું.
જાણીતા ઉદ્યોગસાહસિક અને પરોપકારી એવા ડાહ્યાભાઇ પટેલે વેસ્ટ મિડલેન્ડ્સમાં સ્થાનિક વેપાર અને એશિયન સમુદાયમાં મોટુ પ્રદાન કર્યું હતું. જ્યારે એશિયન દ્વારા સંચાલિત બિઝનેસ માટે ખૂબ જ થોડી તકો હતી ત્યારે તેમણે ક્યૂએ ઇલેક્ટ્રિકલ પ્રોડક્ટ્સની 1971માં સ્થાપના કરી હતી. તેઓ ઇલેક્ટ્રિકલ કરંટ ટ્રાન્સફોર્મર્સના અગ્રણી ઉત્પાદક છે અને હાલમાં તેમના દીકરી અલકા સમગ્ર બિઝનેસનું સુકાન તેમના વૉલ્સોલ ખાતે આવેલા બેઝ પરથી સંભાળે છે.
વુલ્વરહેમ્પ્ટન – વૉલ્સોલ ખાતે રહેતા ડાહ્યાભાઇએ વૉલ્સોલના શ્રી રામ મંદિરની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી જે આજે સ્થાનિક હિન્દુ સમુદાયનું કેન્દ્ર બિંદુ છે. 1970ના દાયકાના પ્રારંભમાં તેમણે ગુજરાતી સંસ્કૃતિને જાળવી રાખવા અને સમુદાયને સાથે રાખવા માટે વેસ્ટ મિડલેન્ડ્સ ગુજરાતી એસોસિએશનની પણ સ્થાપના કરી હતી.
ખેડૂત પરિવારના એકમાત્ર સંતાન એવા ડાહ્યાભાઈનો જન્મ 4 ઑગસ્ટ 1929ના રોજ ગુજરાતના નવસારી જીલ્લાના મંદિર ખાતે થયો હતો. તેમણે અમદાવાદ ખાતે યુનિવર્સિટીમાંથી કેમિસ્ટ્રી અને ફિઝિક્સનો અભ્યાસ કર્યો હતો. મધુકાન્તાબેન સાથે 1954માં લગ્ન કર્યા પછી સુરતના રાંદેરમાં શિક્ષક તરીકે થોડા સમય માટે કામ કર્યું હતું અને 1955માં ઇંગ્લેન્ડ આવ્યા હતા.
બ્રિટીશ સત્તાવાળાઓએ તેમની ડિગ્રીને માન્ય ન રાખતાં ફેક્ટરીમાં તનતોડ કામ કરી નાઇટ સ્કૂલમાં અભ્યાસ કરી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બન્યા હતા. તેમની ઉદ્યોગસાહસિકતાએ ક્યુએ ઇલેક્ટ્રિકલની સ્થાપનામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. તેમની મહેનત અને કુનેહથી પોતાના ક્ષેત્રમાં તેમની ફર્મ અગ્રણી તરીકે સ્થાપિત થઇ કંપની બની મિડલેન્ડ્સની એક મુખ્ય નિકાસકાર કંપની બની હતી.
ડાહ્યાભાઈ ખૂબ જ નમ્ર હતા અને તેમણે મોટાભાગનો સમય શિક્ષણ અને સમુદાયના સેવા કાર્યોમાં ફાળવ્યો હતો. પોતે જ્યાં ભણ્યા હતા તે સ્થાનિક પ્રાથમિક અને હાઇસ્કૂલનું મકાન ફરીથી બનાવ્યું હતું. ગામલોકોને અન્ય ઘણી સુવિધાઓ સાથે પાણીની સુવિધા પૂરી પાડી હતી.
તેમણે દર વર્ષે 11 અને 12 ધોરણના વિદ્યાર્થીઓને વિજ્ઞાનના વિષયોનો અભ્યાસ કરવા પ્રોત્સાહન – બર્સરી આપતા હતા. ડાહ્યાભાઇએ 75 વર્ષનાં થયા ત્યારે મંદિરમાં 32-બેડની હોસ્પિટલ બનાવીને તેને નવીનતમ તબીબી ઉપકરણોથી સજ્જ કરી ભારત સરકારને દાનમાં આપી હતી અને આજે તે 27 ગામોના હજારો દર્દીઓને સારવાર આપે છે.
સાહિત્ય પ્રત્યેના તેમના પ્રેમને લીધે ગરવી ગુજરાત ન્યૂઝવીકલીના સ્થાપક તંત્રી રમણીકલાલ સોલંકી સાથે તેમની આજીવન મિત્રતા થઈ હતી. પરસ્પર પ્રશંસા અને આદર સાથે તે છ દાયકાથી વધુ સમય સુધી ટકી રહી હતી.
ગરવી ગુજરાતના ગૃપ મેનેજીંગ એડિટર કલ્પેશ સોલંકી અને એક્ઝીક્યુટીવ એડિટર શૈલેષ સોલંકીએ કહ્યું હતું કે ‘ડાહ્યાકાકા’ અમારા પિતાના નજીકના મિત્ર અને વિશ્વાસુ હતા. શરૂઆતના અને મુશ્કેલ દિવસોમાં જ્યારે અમારા માતા-પિતાએ ગરવી ગુજરાત શરૂ કર્યું હતું, ત્યારે ડાહ્યાકાકા એક મિત્ર અને માર્ગદર્શક બન્યા હતા. તેમણે મિડલેન્ડ્સ વિસ્તારમાં ગરવી ગુજરાતની મજબૂત હાજરી સ્થાપિત કરવામાં મદદ કરી હતી. તેઓ દયાળુ અને ઉદાર માણસ હતા અને અમારા પરિવારોએ સાહિત્ય, ઇતિહાસ અને સંસ્કૃતિનો પરસ્પર પ્રેમ વહેંચતા અનેક સાંજ અને સમરને માણ્યા હતા.
‘ડાહ્યાકાકા’ શરૂઆતની અગ્રેસર અને મહાન પેઢીમાંથી હતા, જે યુકેમાં અસીમ હિંમત અને તેમના કુટુંબ અને સમુદાય માટે વધુ સારું જીવન નિર્માણ માટે દૃઢ સંકલ્પથી સજ્જ થઇને આવ્યા હતા. તેમનું નિધન એ બ્રિટનમાં એશિયન સમુદાય માટે એક મોટું નુકસાન છે.’
ડાહ્યાભાઇના પરિવારમાં તેમની પત્ની મધુકાન્તાબેન, પુત્રીઓ અલકા અને રન્ના, દોહિત્રીઓ નિશા અને મિરાજ અને ગ્રેટ ગ્રાન્ડ ચિલ્ડ્રન જૈયા અને ઉમાને વિલાપ કરતા મૂકી ગયા છે.