કેબિનેટમાં પ્રધાન તરીકે શપથ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મનસુખ માંડવિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કરેલા કેબિનેટના વિસ્તરણમાં ગુજરાતના પાંચ સાંસદોએ પ્રધાનો તરીકે શપથ લીધા હતા. મનસુખ માંડવિયાને આરોગ્ય અને કેમિકલ પ્રધાન બનાવવામાં આવ્યા છે, જ્યારે પરષોતમ રુપાલાને પશુપાલન ડેરી અને ફિશરી પ્રધાન પ્રધાન બનાવવામાં આવ્યા છે. દર્શન જરદોશને રાજ્યકક્ષાના ટેક્સટાઇલ્સ અને રેલવે પ્રધાન બનાવવામાં આવ્યા છે. દેવુસિંહ ચૌહાણને રાજ્યકક્ષાના દૂરસંચાર પ્રધાન તથા ડો મહેન્દ્ર મુંજપરાને રાજ્યકક્ષાના મહિલા અને બાળ વિકાસ તથા આયુષ પ્રધાન બનાવવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રમાંથી પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા અને ડો. મહેન્દ્ર મુંજપરાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાંથી સુરતના મહિલા સાંસદ દર્શનાબેન જરદોશ તથા મધ્ય ગુજરાતમાંથી ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણને પ્રધાન બનાવવામાં આવ્યા છે. રાજ્યમાંથી અમિત શાહ અગાઉથી ગૃહપ્રધાન છે. વિદેશ પ્રધાન એસ જયશંકર પણ ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય છે. આમ હવે મોદી કેબિનેટમાં ગુજરાતના પ્રધાનોની સંખ્યા વધીને સાત થઈ છે, જે ગુજરાતનું કેન્દ્રમાં અત્યાર સુધીનું સૌથી વધુ પ્રતિનિધિત્વ છે.

બુધવારે પ્રધાન તરીકે શપથ લેનારા ગુજરાતના પ્રધાનોમાંથી બે પાટીદાર અને ત્રણ ઓબીસી નેતાને સ્થાન મળ્યું હતું. ગુજરાતના 26માંથી 4 સાંસદો અને રાજ્યસભાના 3 સભ્યોને પ્રધાન બનાવવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભાની આગામી વર્ષે ચૂંટણી પહેલા ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્યગુજરાત તમામ ઝોનમાંથી પ્રધાનો બનાવવામાં આવ્યા છે. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો.

મનસુખ માંડવિયા

મનસુખ લક્ષ્ણભાઈ માંડવિયાનો જન્મ પહેલી જૂન 1972માં થયો હતો. તેઓ કેન્દ્રિય શિપિંગ રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો) તથા કેન્દ્રિય રસાયણ અને ખાતર રાજ્ય પ્રધાનનો પદભાર સંભાળતા હતા. હવે કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા છે. ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય માંડવિયા તેમના સાદા જીવન માટે જાણીતા છે. મનસુખ માંડવિયા ભાવનગર જિલ્લાના હનોલ ગામના વતની છે.

પરસોત્તમ રૂપાલા

 

પરસોત્તમ રૂપાલા કેન્દ્રિય કૃષિરાજ્યપ્રધાનનો પદભાર સંભાળી રહ્યા હતા. હવે કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા છે. પરસોત્તમ રૂપાલા કડવા પાટીદાર છે અને મનસુખ માંડવિયા લેઉવા પાટીદાર છે. પરસોત્તમ રૂપાલા તેમની અજોડ વક્તૃત્વ ક્ષમતા અને લીડરશીપ માટે જાણીતા છે. કેન્દ્ર સરકારે પ્રધાનમંડળના વિસ્તરણ પહેલા એક અલગ સહકાર મંત્રાલયની જાહેરાત કરી હતી. પરષોત્તમ રૂપાલાને કૃષિમાંથી મુક્ત કરી, નવા સહકાર ખાતામાં કેબિનેટ પ્રધાનપદ આપીને તેમનું પ્રમોશન થઈ શકે છે.

 

દર્શના જરદોશ

ફોટોગ્રાફીનો શોખ ધરાવતા દર્શના બહેન જરદોશે રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા છે. સુરત લોકસભા બેઠકના સભ્ય છે. તેઓ 2009માં પ્રથમ વખત લોકસભામાં ચૂંટાયા હતા. આ પછી 2009, 2014 અને 2019માં પણ જંગી બહુમતીથી ચૂંટાયા હતા. તેઓ 2014માં 5.33 લાખ મતની ઐતિહાસિક સરસાઈ ચૂંટાઈ આવ્યા હતા. ભારતીય ચૂંટણીના ઇતિહાસમાં ઈન્દિરા ગાંધી પછી કોઇપણ મહિલા સાંસદ દ્વારા મેળવાયેલી સૌથી વધુ સરસાઈ હતી. તેમણે 2014ની લોકસભાની ચૂંટણીમાં 75.79 ટકા મત સાથે જીત મેળવી હતી, જે એક વિક્રમ છે.

 

ડો. મહેન્દ્ર મુંજપરા

ડો. મહેન્દ્ર મુંજપરાએ રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા. સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારમાંથી 2019માં લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટાયા હતા. ડો. મહેન્દ્ર મુંજપરાનો 1968માં સુરેન્દ્રનગરના વઢવાણમાં જન્મ થયો હતો. તેઓ એમ ડી (મેડિસિન) છે અને મેડિકલ ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં લેક્ચર આપે છે. તેઓ ચુવાળિયા કોળી યુવા સમાજના પ્રમુખ છે. તેઓ શહેરના અને આસપાસના ગામડાંઓમાં એક સેવાભાવી ડોક્ટર તરીકે ઓળખાય છે.

દેવુસિંહ ચૌહાણ

દેવુસિંહ ચૌહાણને રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા. મધ્ય ગુજરાતના ખેડાના નેતા દેવુસિંહ ચૌહાણ 2007થી મે 2014 સુધી બે ટર્મમાં ધારાસભ્ય રહ્યા હતા. તેઓ 2014થી 2019 દરમિયાન ગુજરાતમાંથી 16મી લોકસભાના સાંસદ રહ્યા હતા અને 2019માં 17મી લોકસભા ફરી ચૂંટાઈને અત્યારે સાંસદ છે. દેવુસિંહ જેસિંગભાઈ ચૌહાણનો જન્મ 29 ઓક્ટોબર 1964ના રોજ નવાગામ ખેડામાં થયો હતો. તેમણે પોરબંદરમાં સ્થિત સરકારી પોલિટેકનિક કોલેજથી ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાં કોર્ષ કર્યો છે. તેમણે ઓલ ઈન્ડિયા રેડિયોમાં એન્જિનિયર રહી ચૂક્યા છે.