બોલિસ્ટાર દિલીપ કુમારના નિધનથી બોલિવૂડમાં એક યુગનો અંત આવ્યો છે. એક એક્ટરમાંથી લેજેન્ડ બનવા સુધીની સફર સરળ ન હતી. 65થી વધુ ફિલ્મમાં કામ કરનારા દિલીપ કુમારનો જન્મ 11 ડિસેમ્બર, 1922ના રોજ પેશાવરમાં થયો હતો. માતા-પિતાએ તેમનું નામ મોહમ્મદ યુસુફ ખાન રાખ્યું હતું, પરંતુ મુંબઈ આવ્યા પછી ફિલ્મોમાં તેમને દિલીપ કુમાર નામથી ઓળખ મળી હતી. તેમના નામ બદલવાની સ્ટોરી પણ ઘણી રસપ્રદ છે.
દિલીપ સાહેબને કુલ 12 ભાઈ-બહેન હતા. તેમનું બાળપણ ઘણી ખરાબ સ્થિતિમાં પસાર થયું, તેમના પિતા પરિવાર સાથે મુંબઈ આવી ગયા હતા. મુંબઈ આવ્યા પછી પરિવારને અનેક આર્થિક તકલીફોનો સામનો કરવો પડ્યો. દિલીપ કુમારે શાળાકીય અભ્યાસ નાસિકના દેવલાલીમાં બાર્ન્સ સ્કૂલથી કર્યો હતો. આ જ શાળામાં રાજ કપૂર પણ અભ્યાસ કરતા હતા. રાજ કપૂર અને દિલીપ કુમાર બાળપણના મિત્રો હતા. બન્ને એકસાથે જ મોટા પણ થયા.
પરિવાર સાથે વિવાદ થતા દિલીપ કુમાર પુણે આવી ગયા હતા, અંગ્રેજી આવડતું હોવાને લીધે તેમને પુણેની બ્રિટિશ આર્મી કેન્ટીનમાં આસિસ્ટન્ટની નોકરી મળી ગઈ હતી. તેમને કેન્ટીનમાં 36 રૂપિયાનો પગાર મળતો હતો. તેમણે પોતાનું સેન્ડવિચ કાઉન્ટર ખોલ્યું અને તે અંગ્રેજ સૈનિકો વચ્ચે પ્રખ્યાત બની ગયું હતું, પરંતુ આ કેન્ટીનમાં એક દિવસ ભારતની આઝાદીની લડાઈમાં સમર્થન આપતા ધરપકડ થઈ હતી અને તેમનું કામ બંધ થઈ ગયું હતું.
તેમણે વર્ષ 1944માં ફિલ્મ જ્વાર ભાટાથી બોલિવૂડમાં પદાર્પણ કર્યુ હતું અને 1947માં આવેલી ફિલ્મ જુગનૂ પછી તેઓ પ્રસિદ્ધ અને લોકપ્રિય બન્યાં હતા. દિલીપ કુમાર બોલિવૂડમાં સૌથી વધારે બેસ્ટ એક્ટરના ફિલ્મફેર અવોર્ડ મળ્યા છે. દિલીપ કુમારે 60થી વધારે ફિલ્મોમાં કામ કર્યું હતું. બોલિવૂડ અભિનેત્રી મધુબાલા સાથેના સંબંધોને કારણે ચર્ચામાં રહેતા હતા. પરંતુ તેમની જોડી લગ્ન સુધી ના પહોંચી શકી. તેમણે 1966માં એક્ટ્રેસ સાયરા બાનો સાથે લગ્ન કર્યા હતા. દિલીપ કુમારને હિન્દી સિનેમાના સુવર્ણકાળના અંતિમ અભિનેતા તરીકે યાદ કરવામાં આવે છે.