ભારતરત્ન પુરસ્કારથી સન્માનિત પીઢ ગાયિકા લતા મંગેશકરે તાજેતરમાં યુવા પેઢીને સંગીત અંગે માર્ગદર્શન આપ્યું હતું.લતાજીએ વર્લ્ડ મ્યુઝિક ડે નિમિત્તે નવોદિત ગાયકોને કહ્યું હતું કે, તમારો પોતાનો અવાજ શોધો, ભારતીય શાસ્ત્રીય સંગીતની તાલિમ લો અને વિવિધ રાગને ઓળખીને તેનો રીયાઝ કરો.
લતાજીએ પોતાના વિશે કહ્યું હતું કે, હું ૧૩ વર્ષની હતી ત્યારે મારા પિતાનું અવસાન થયું હતું. પરિવારમાં હું સોથી મોટી હતી. મારી ત્રણ બહેનો અને એક ભાઇની જવાબદારી મારા પર આવી ગઇ હતી. જોકે મને ગાતા આવડતું હોવાથી હું કોટનની સાડી અને ચપ્પલ પહેરીને મુંબઇના રેકોર્ડિંગ સ્ટુડિયોમાં જતી હતી. ઘણી વખત તો ભૂખ્યા પેટે ટ્રેનમાં એક સ્ટુડિયોમાંથી બીજા સ્ટુડિયોમાં જતી હતી. એ વખતના ટોચના ઘણા સંગીતકારો મને ભોજન પણ ઓફર કરતા હતા. જે ગાયકોએ દરદનો અનુભવ જ નથી કર્યો, તેઓ દરદીલા ગીતો કઇ રીતે ગાઇ શકે, પરંતુ આજે આધુનિક ટેકનિકને કારણે તે કામ સરળ થઇ ગયું છે. ગીતોને કમ્પ્યુટર્સ પર રેકોર્ડ કરવામાં આવે છે. અમે એક જ માઇકમાં ડ્યુએટ ગાતા હતા જ્યારે આજે બે કોન્ટિનેટમાં ડયુએટ રેકોર્ડ કરવામાં આવે છે. આજે લાગણીઓ લુપ્ત થઇ રહી છે.