સૌથી મોટી તપાસમાં જણાયું છે કે ચેપ લાગ્યાના 12 અઠવાડિયા પછી પણ 33 ટકા કરતા વધારે લોકોમાં કોરોનાવાઇરસના એક અથવા વધુ લક્ષણો જણાયા છે.
ઇમ્પિરિયલ કૉલેજ લંડનના પૌલ ઇલિયટે કહ્યું હતું કે ‘’તારણો બતાવે છે કે વાઇરસ દ્વારા સતત બીમારી થવી એ એક મહત્વપૂર્ણ મુદ્દો છે. તે એક મોટો પડકાર છે અને આપણે રોગચાળાના આગલા તબક્કામાં જઈશું ત્યારે તે એક મોટો પડકાર બની રહેશે.
કોરોનાવાઇરસનો ચેપ ધરાવનાર 76,000 લોકોની તપાસમાં ઈમ્પિરિયલ કૉલેજના રિએક્ટ સ્ટડીમાં આ તારણો સામે આવ્યા હતા. એકંદરે, 37 ટકા લોકોએ કહ્યું હતું કે તેમને ચેપના 12 અઠવાડિયા પછી એક લક્ષણ જણાયું હતું. 15 ટકા લોકોએ લક્ષણોની યાદીમાંથી ત્રણ કે તેથી વધુ લક્ષણો અનુભવ્યા હતા. જેમાં ગંભીર થાક, શ્વાસની તકલીફ, ચક્કર અને તાવ શામેલ છે. જો કે, આ અભ્યાસે મોટા પ્રમાણમાં વસ્તીમાં સમાન લક્ષણોના વ્યાપ પર ધ્યાન આપ્યું નથી.
નેચર મેડિસિન જર્નલમાં પ્રકાશિત નોર્વેના એક અલગ પેપરમાં જાણવા મળ્યું છે કે ચેપ લાગ્યાના છ મહિના પછી સતત શ્વાસ લેવામાં તકલીફ, સ્વાદ અને ગંધ, થાક અથવા ક્ષતિગ્રસ્ત એકાગ્રતા અને યાદશક્તિના પ્રશ્નો સર્જાયા હતા.