ઘટસ્ફોટ: ત્રણમાંથી એક એશિયન વાઇરસથી સંપૂર્ણપણે સુરક્ષિત નથી
- એક્સ્ક્લુસીવ
- બાર્ની ચૌધરી દ્વારા
18 કે તેથી વધુ ઉંમરના ત્રણ દક્ષિણ એશિયનોમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ હજી પણ કોવિડ વાઇરસથી સુરક્ષિત નથી એમ ગરવી ગુજરાત જાહેર કરી શકે છે. લઘુમતી સમુદાયોને રસી લેવા રાજી કરવા સરકારે “સંગઠિત સમુદાયની આગેવાની હેઠળ પ્રયત્નો” કર્યા હોવા છતાં, તાજેતરના આંકડા દર્શાવે છે કે આશરે 67 ટકા એશિયન બ્રિટીશ કે એશિયન લોકોએ પ્રથમ રસી લીધી છે, જ્યારે 43 ટકાથી ઓછી વ્યક્તિઓએ બન્ને રસી લીધી હતી.
એનએચએસ જણાવે છે કે ‘’અમારો સ્ટાફ દક્ષિણ એશિયન સમુદાયના લોકોની ચિંતાઓને દૂર કરવા માટે સખત મહેનત કરી રહ્યો છે. પ્રગતિ થઇ છે, પણ “હજી વધુ કરવાનું બાકી છે”, અમે દક્ષિણ એશિયનોને રસીના બન્ને ડોઝ લઇ સંપૂર્ણ રીતે સુરક્ષિત થવા વિનંતી કરીએ છીએ. દક્ષિણ એશિયનો રસીનો બીજો ડોઝ લેતા ખચકાતા હોવાનુ દેશભરના ડોકટરો કહી રહ્યા છે.’’
એન.એચ.એસ. ઇંગ્લેન્ડના પ્રાયમરી કેર ડીરેક્ટર ડો. નિકિતા કાનાણીએ ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે “જો તમે સાપ્તાહિક આંકડા જોશો, તો અમે હજી પણ નોંધપાત્ર સુધારો જોઈ રહ્યા છીએ. વિવિધ સમુદાયોમાં સમય લાગી રહ્યો છે. રસી પ્રત્યેનો આત્મવિશ્વાસ વધારવામાં સમય લાગે છે. રસી એક યોગ્ય પગલું છે તેની એકબીજાને ખાતરી આપવી જરૂરી છે. સમુદાયો તેમની રસી મેળવી શકે તે માટે અમે તેમની સાથે મળીને કામ કરીશું. અમે દરરોજ આવતા આંકડાની સમીક્ષા કરીએ છીએ, પરંતુ અમે 19મી જુલાઈએ તેની વધુ સારી રીતે સમીક્ષા કરીશું. તે પછી અમે નિર્ણય કરી શકીશું કે રસી લેવા માટે સમુદાયોને વધુ મદદ આપવાની જરૂર છે કે કેમ?’’
રસીકરણને વેગ આપવા 25 જૂનના રોજ વેક્સીન મિનિસ્ટર, નધિમ ઝાહાવી અને લંડનના મેયર, સાદિક ખાને પ્રેક્ટિશનરો અને અધિકારીઓ સાથે વેક્સીન સમિટ યોજી હતી
લંડનના મેયર સાદિક ખાને ગરવી ગુજરાતને કહ્યું હતું કે “મારા માટે મોટી ચિંતા એ છે કે ગેમ ચેન્જર જેવી રસી હોવા છતાય આપણા શહેર કે દેશમાં ઘણા લોકો છે, જેઓ ગંભીર પરિણામો લાવતા વાઇરસને ચેપ મેળવવા પોતાને મુક્ત રાખે છે. રસી મેળવતા અચકાઇ રહેલા દેશભરના લોકોને મારો સંદેશ છે કે તમને કોના પર વિશ્વાસ છે? તમારા જી.પી., ફાર્માસિસ્ટ, તમારા ધાર્મિક નેતા, ગરવી ગુજરાત પર? તમે તેમને પૂછો કે તેઓ રસી વિશે શું વિચારે છે. આપણે 19 જુલાઇ સુઘીમાં શક્ય તેટલા લોકો ફક્ત એક જ નહીં, પરંતુ બંને રસી મેળવે તે જોવાનું છે”.
વેક્સીન મિનિસ્ટર ઝાહાવીએ ડાઉનિંગ સ્ટ્રીટ ન્યૂઝ કોન્ફરન્સમાં 23 જૂને કહ્યું હતું કે ‘’સરકાર રસી લેતા ખચકાતા સમુદાયો સુધી પહોંચવા માટે શક્ય બધુ કરી રહી છે. ઑફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના તાજેતરના ડેટા પર નજર નાખો તો, ફેબ્રુઆરીથી બ્લેક, બ્લેક-બ્રિટીશ, એશિયન અને એશિયન-બ્રિટીશ લોકોમાં રસી અંગેનો અચકાટ છેલ્લા કેટલાક મહિનામાં અડધો થઈ ગયો છે. આ વાસ્તવિક પ્રગતિ છે, પરંતુ આપણે હજી ઘણું કરવાનું છે.”
ગરવી ગુજરાતે પૂછેલા પ્રશ્ન ‘’રસીકરણ કાર્યક્રમની શરૂઆતના છ મહિના પછી સરકાર દક્ષિણ એશિયન સમુદાયો સુધી કેમ પહોંચવામાં નિષ્ફળ રહી છે?’’નો જવાબ આપતા ઝાહાવીએ જણાવ્યું હતું કે “અમે ખરેખર કામ કરનાર શ્રેષ્ઠ પ્રથાને અનુસરીએ છીએ, પછી ભલે તે રુશનારા અલી [બેથનલ ગ્રીન અને બોના સાંસદ)એ બાંગ્લાદેશી સમુદાયને જોડવા માટે ઇસ્ટ લંડનની મસ્જિદમાં કરેલું કામ હોય. ગ્રાન્ડ મસ્જિદમાં મારી મુલાકાત વખતે જે ઉભરી આવ્યું હતું તેનું જ બ્લેક ચર્ચોમાં અથવા સમુદાય કેન્દ્રોમાં પુનરાવર્તન કરીશું. જે બાબત કામ કરે છે તેનો અમલ કરી રહ્યા છીએ. પછી તે લોકોને એપોઇન્ટમેન્ટ બુક કરવામાં મદદ કરતી ટીમ હોય કે વૉક-ઇન-ક્લિનિક્સની જાહેરાત હોય. એનએચએસ નંબર ન હોય તો પણ રસી મેળવી શકો છો. શક્ય તેટલા લોકોનું રક્ષણ કરવા હવે આજથી 19 જુલાઇ સુધીમાં લોકોને રસી મળે. અમે એ સુનિશ્ચિત કરતા રહીશું કે જેમણે રસીનો પ્રથમ ડોઝ લીધો છે તેમને દરેકને બીજો ડોઝ મળે.”
તા. 27ના રોજ હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકના રાજીનામાથી સરકારના લોકડાઉનના નિયમો અંગે વિશ્વાસ ફેલાયો છે. તેમના બબલમાં ન હતા તેવા સાથીદારને ચુંબન કરીને હેનકોકે સામાજિક અંતરના માર્ગદર્શનનું ઉલ્લંઘન કર્યું હતું. ટીકાકારોનો સવાલ એ છે કે સરકારના સલાહકારો અને મંત્રીઓ જ આમ કરતા હોય ત્યારે લોકોએ રોગચાળાના નિયમોનું પાલન શા માટે કરવું જોઈએ.
ડો. કાનાણીએ કહ્યું હતું કે “મને નથી લાગતું કે રાજીનામું આપવાને રસીકરણ કાર્યક્રમ સાથે કોઈ સંબંધ છે. પુરવઠો મળશે તો રસીકરણ કાર્યક્રમ દ્વારા નક્કી કરાયેલા તમામ લક્ષ્યો પાર પાડવામાં આવશે. અમે જુલાઇ 19ને નજરમાં રાખીને સુનિશ્ચિત કરશુ કે દરેકને રસી લેવાની તક મળે. આપણે આપણા સમુદાયોને યાદ કરાવવાનું છે કે રસી લેવી એ સૌથી અગત્યની બાબત છે જે આપણે રોગચાળામાંથી બહાર કાઢે છે અને આપણા જીવનને પાછું લાવે છે.”
હેલ્થ સેક્રેટરી થયા બાદ સાજીદ જાવિદે 28 જૂને પહેલી રજૂઆતમાં સાંસદોને જણાવ્યું હતું કે, ‘’સરકાર 19 જુલાઈ સુધીમાં દેશના 66 ટકા લોકોને રસીના બન્ને ડોઝ આપી દેવા માંગે છે. જેથી ઇંગ્લેન્ડમાં લોકડાઉન પગલાંની સરળતા રહે.’’
જાવિદ સાથે નજીકથી કામ કરનાર ડૉ. કાનાણીએ ગરવી ગુજરાતને કહ્યું હતું કે ‘’નવા બોસ સાથે શેર કરવા માટે ત્રણ ટોચની પ્રાથમિકતાઓ છે. સૌ પ્રથમ, એનએચએસને સમજવું. અમારો સ્ટાફ કેવી રીતે કાર્ય કરે છે તે સમજવુ, તેઓ શેની ચિંતા કરે છે, અને ખાસ કરીને રોગચાળા દરમિયાનના તેમના અનુભવો શું છે. અમે રીકવર થવા માટે એનએચએસ અને વિશાળ સમાજને ટેકો આપીએ છીએ.
“અમારી બીજી અગ્રતા શિયાળામાં બૂસ્ટર પ્રોગ્રામ કરવાની છે, એવું નથી કે આ રસીકરણનું કામ પત્યું એટલે પૂરૂ થયું. તે પ્રોગ્રામ પાર પાડવા માટે જરૂરી બધી જ વસ્તુઓ, શક્ય તેટલી ઝડપથી અને કાર્યક્ષમ રીતે પૂરી થાય તે સુનિશ્ચિત કરવાનું છે. ખાતરી કરવાની છે કે આપણા દેશને શક્ય તેટલો સલામત રાખવાનો છે. ત્રીજી અગ્રતા સ્વાસ્થ્યની અસમાનતાઓને જોતાં આપણે કેવી અને કેટલી પ્રગતિ કરી અને કોવિડ રસીકરણ કાર્યક્રમ દ્વારા આપણે શું શીખ્યા તે સમજવાનું છે. આપણે તે સુનિશ્ચિત કરવાનું છે કે આપણે તેને મહત્તમ કરી અન્ય ક્ષેત્રોમાં પણ લાગુ કરીએ. તેથી, ફલૂ રસીકરણ, આરોગ્ય ચકાસણી અને વ્યાપક આરોગ્યસંભાળ દરેકને ઉચ્ચ ગુણવત્તા સાથે મળે રહે.”
મે મહિનામાં, એશિયન મીડિયા ગ્રુપના કાર્યક્રમમાં, ગરવી ગુજરાતના પ્રકાશકો, લંડનના મેયર કોમ્યુનિટિ ફાર્માસિસ્ટ્સ માટેના તેમના સમર્થન અંગે અવાજ ઉઠાવતા હતા. મેયરે પ્રશંસા કરી હતી કે જ્યારે જી.પી. સર્જરી અને હેલ્થ સેન્ટર્સ ફેસ-ટુ-ફેસ મળાતું નહતું ત્યારે ફાર્મસીસ્ટ ખુલ્લા રહ્યા હતા.
બૂસ્ટર જેબ્સ આપવામાં કોમ્યુનિટિ ફાર્મસીસ્ટ્સનો ઉપયોગ ડોકટરોની સર્જરી અને હોસ્પિટલો પરના દબાણને સરળ બનાવવા માટે કરી શકાય? એવા પ્રશ્નના જવાબમાં ડો. કાનાણીએ જણાવ્યું હતું કે, “વિજ્ઞાન અમને બૂસ્ટર પ્રોગ્રામ વિશે જે કહે છે તેના આધારે અમે કામ કરી રહ્યા છીએ. પરંતુ હું બૂસ્ટર પ્રોગ્રામ પહોંચાડવા માટે ચાલુ સાઇટ્સ અને નવી સાઇટ્સ પર સાથે મળીને કામ કરવાની અપેક્ષા રાખું છું. કોમ્યુનિટિ ફાર્મસીઓ ખાસ કરીને સમુદાયો અને વંચિત સમુદાયોના હ્રદયમાં છે. તેથી અમે પ્રોગ્રામને પાર પાડવા કોમ્યુનિટિ ફાર્મસીઓ સાથે કામ કરવા વિચારીશું.”
ઇસ્ટર્ન આઇ અને ગરવી ગુજરાત, રોગચાળાના સમાચારો રજૂ કરી દક્ષિણ એશિયનોને રસી લેવા માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે ત્યારે ડૉ. કાનાણીએ નેશનલ અને ઇન્ટરનેશનલ ટેલિવિઝન પર અમારા અખબારોના કાર્યને માન્યતા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે “તમારા જેવા સંગઠનો અમને ઘરો અને સમુદાયોમાં પ્રવેશવામાં મદદ કરશે અને લોકોને યાદ અપાવશે કે રસીનો ફક્ત પ્રથમ જ નહિં બીજો ડોઝ પણ મહત્વનો છે. એનએચએસ દરેક સમુદાયમાં રસીકરણ પ્રોગ્રામ આપવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.”