ભારતની ફાર્મા કંપની સિપ્લાને દેશમાં તેની ભાગીદાર કંપની મોડર્ના ઇન્કની કોરોના વેક્સીનના વિતરણ માટે નિયમનકારી મંજૂરી મળી છે, એમ સરકારી અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું.
ભારતમાં મોડર્નાની વેક્સીન ચોથી વેક્સીન બનશે. અગાઉ સરકારે એસ્ટ્રાઝેનેકા અને પાર્ટનર સીરમ ઇન્સ્ટીટ્યૂટની કોવિશીલ્ડ, ભારત બાયોટેકની કોવેક્સિન અને રશિયાની સ્પુટનિક- Vને મંજૂરી આપી હતી. સરકારે ફાઇઝરની વેક્સીન માટે પણ મંત્રણા કરી રહી છે. મોડર્નાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સ્ટીફન બેન્સેલે જણાવ્યું હતું કે આ મંજૂરી માટે હું ભારત સરકારનો આભાર માનું છું. તેનાથી કોરોના મહામારી સામેની વૈશ્વિક લડાઇમા મદદ મળશે. કંપનીએ જણાવ્યું હતું કે નિયમકારી મંજૂરીમાં સિપ્લા મદદ કરી છે. જોકે સરકારે કોમર્શિયલ સપ્લાય માટે હજુ કોઇ કરાર કર્યા નથી.
અમેરિકી વેક્સીન કંપની મોડર્નાએ ભારતમાં પોતાની કોવિડ-19 વિરોધી રસી માટે રેગ્યુલેટરી મંજુરી માંગી હતી અને સિપ્લાએ રસીની આયાત માટે માર્કેટિંગ અધિકૃતતા માટે અરજી કરી હતી. મોડર્નાની વેક્સીન મેસેન્જર આર.એન.એ. પર આધારિત છે. જે કોશિકાઓને કોરોના વાઇરસ વિરૂદ્ધ ઈમ્યુનિટી તૈયાર કરવા માટે પ્રોગ્રામ કરે છે.